મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર બુકાનીધારીઓનો સોડા બોટલથી હુમલો

રંગીલા રાજકોટમાં ગુનેગારો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને પોલીસનો પણ ડર રહ્ય

રંગીલા રાજકોટમાં ગુનેગારો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક પર વહેલી સવારે બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ સોડા બોટલોના ઘા કરી હુમલો કરતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત સ્થળ પર જ હુમલો થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

વહેલી સવારે પોલીસને ખુલ્લો પડકાર

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે જ્યારે શાંતિનું વાતાવરણ હતું ત્યારે બે બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા અને ગાંધીગ્રામ પોલીસ મથકને નિશાન બનાવી જોરદાર સોડા બોટલો ફેંકી હતી. જાણે પોલીસને સીધો પડકાર ફેંકતા હોય તેમ આ શખ્સો હુમલો કરી પલાયન થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનના પટાંગણમાં બોટલોના કાચના ટુકડા વિખરાયેલા જોવા મળ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચ અને LCB દોડી આવી, PI ગેરહાજર

ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ સેજલ મેઘાણી મોડે સુધી પોલીસ સ્ટેશન પહોંચ્યા નહોતા. જાણવા મળ્યું છે કે પીઆઈ કોર્ટની મુદ્દત પર હોવાથી હાલ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ પાસે આ સ્ટેશનનો ચાર્જ છે.

કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા

સામાન્ય જનતા જ્યાં પોતાની સુરક્ષાની આશા રાખે છે, તે પોલીસ મથક જ હવે સુરક્ષિત નથી રહ્યું. પોલીસ મથક પર જ હુમલો કરીને ગુનેગારોએ પોલીસની ધાક ઓછી થઈ હોવાનો સંકેત આપ્યો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ બુકાનીધારી હુમલાખોરોને ઓળખવા માટે તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો