મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનની જેલમાં બંધ શખ્સે કર્યો આપઘાત, પરિવારે પોલીસ પર લગાવ્યા આરોપ

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પત્ની સાથેના ઝઘડા બાદ અ

તસવીર: GSTV

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. પત્ની સાથેના ઝઘડા બાદ અટકાયત કરાયેલા 40 વર્ષીય શખસે લોકઅપના શૌચાલયમાં ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યાં છે.

શું હતી સમગ્ર ઘટના?

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા જીવણ નગર વુડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રમેશ વસાવા અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઘરકંકાસનો મામલો પોલીસ મથકે પહોંચતા પાણીગેટ પોલીસે રમેશ વસાવાની અટકાયત કરી હતી અને અટકાયતી પગલાં હેઠળ તેને લોકઅપમાં પૂરી દીધો હતો.

માહિતી અનુસાર, લોકઅપમાં રમેશની સાથે અન્ય ત્રણ શખસો પણ હતા. આજે (21મી જાન્યુઆરી) વહેલી સવારે રમેશ લોકઅપમાં આવેલા ટોયલેટમાં ગયો હતો. લાંબો સમય સુધી તે બહાર ન આવતા સાથી શખસોએ તપાસ કરી હતી, જ્યાં રમેશ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. કેદીઓએ બૂમો પાડતા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રમેશે તેના સ્વેટરની દોરી વડે શૌચાલયમાં ફાંસો ખાઈ લીધો હતો.

મોતનું કારણ પીએમ બાદ સ્પષ્ટ થશે

ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં મેજિસ્ટ્રેટની હાજરીમાં પીએમ કરવાની અને સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો