Video/ ખાતામાંથી લાખો ઉપડ્યા, મંજૂરી લીધી જ નથી! દાવડા ગ્રામ પંચાયતમાં વહીવટી ગરબડના આક્ષેપ
નડિયાદના દાવડા ગ્રામ પંચાયતમાં અત્યારે વહીવટી વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.


નડિયાદના દાવડા ગ્રામ પંચાયતમાં અત્યારે વહીવટી વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પંચાયતના સરપંચ અને મહિલા તલાટી પર સ્વભંડોળના નાણાંનો દુરુપયોગ અને નીતિ-નિયમો વિરુદ્ધ લાખો રૂપિયાના ઉપાડના ગંભીર આક્ષેપો થતા સમગ્ર પંચાયત વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ?
મળતી વિગતો અનુસાર, દાવડા ગ્રામ પંચાયતમાં સ્વભંડોળના નાણાંનો વહીવટ વિવાદમાં આવ્યો છે. ડેપ્યુટી સરપંચ અને સભ્યોનો આક્ષેપ છે કે, જેસીબી (JCB) ના ખર્ચ પેટે તાલુકા પંચાયતની કોઈ પણ મંજૂરી લીધા વગર મોટી રકમ કેશ અને બેરર ચેક દ્વારા ચૂકવવામાં આવી છે.
નીતિ-નિયમો વિરુદ્ધ જઈને પંચાયતના ખાતામાંથી અંદાજે 6 લાખ રૂપિયા જેટલી રકમ ઉપાડી લેવામાં આવી હોવાના આક્ષેપ ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ પટેલે કર્યા છે.
સરપંચ સભા છોડીને ભાગી ગયા
આ ગેરવહીવટ મામલે RTI (માહિતી અધિકાર) હેઠળ વિગતો માંગવામાં આવતા સરપંચ દ્વારા ઉતાવળમાં સભા બોલાવવામાં આવી હતી. જોકે, સભામાં પંચાયતના બહુમતી સભ્યો હાજર રહેતા જ ભાંડો ફૂટવાના ડરે સરપંચ સભા છોડીને ભાગી ગયા હતા.
મહિલા તલાટી અને સભ્યો વચ્ચે તકરાર
સરપંચની ગેરહાજરીમાં સભ્યોએ જ્યારે મહિલા તલાટી શાલિનીબેન મલુકાને રજૂઆત કરી અને ડેપ્યુટી સરપંચની હાજરીમાં સભા ચલાવવાનું કહ્યું, ત્યારે મહિલા તલાટી ઉશ્કેરાઈ ગયા હતા અને સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. સભ્યોનો આક્ષેપ છે કે તલાટી RTI માં પણ યોગ્ય માહિતી આપતા નથી.
તલાટીનો રદિયો
બીજી તરફ, મહિલા તલાટી શાલિનીબેન મલુકાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે પંચાયતનો તમામ વહીવટ નિયમ મુજબ જ કરવામાં આવ્યો છે અને વિરોધ પક્ષના સભ્યો ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
ટીડીઓ (TDO) સુધી પહોંચ્યો મામલો
દાવડા પંચાયતના ભ્રષ્ટાચારનો આ મામલો હવે તાલુકા વિકાસ અધિકારી (TDO) સુધી પહોંચ્યો છે. RTI હેઠળ માહિતી ન મળતા સભ્યોએ TDO સમક્ષ અપીલ કરી છે અને તલાટી તેમજ સરપંચ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.








