મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ "હુમલો કરાવશો તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ", MLA અનંત પટેલના આકરા તેવર,સાંસદને આપી ડિબેટની ચેલેન્જ

વલસાડ જિલ્લાના ચાસમાંડવા ગામે આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી

વલસાડ જિલ્લાના ચાસમાંડવા ગામે આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે સત્તાધારી પક્ષ ભાજપ સામે મોરચો માંડ્યો.  તેમણે રોજગારીના મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયા અને સ્થાનિક ધારાસભ્ય પર કટાક્ષ કરવાની સાથે વલસાડના સાંસદ સામે ગંભીર આક્ષેપો કરીને આદિવાસી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

"તમે ભાજપનો ડબ્બો ચૂકી ગયા"

અનંત પટેલે જાહેરસભામાં દાવો કર્યો હતો કે જ્યારે તેમણે યુવાનોની રોજગારી વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ તેમને ભાજપમાં આવી જવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે પણ તેમને કહ્યું હતું કે, "તમે ભાજપનો ડબ્બો ચૂકી ગયા છો." આ બાબતને લઈને અનંત પટેલે પ્રહાર કર્યો કે સરકાર પાસે રોજગારીના પ્રશ્નોના જવાબ નથી, માત્ર પક્ષપલટાની વાતો છે.

સાંસદ પર ગંભીર આક્ષેપો અને 'ખુલ્લી ચેલેન્જ'

અનંત પટેલે વલસાડના સાંસદ ધવલ પટેલનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે સાંસદ પોલીસ અને સરકારનો ડર તેમના પરિવારને બતાવે છે.  "મારા પર વધુમાં વધુ હુમલા કરાવજો, હું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ." અનંત  પટેલે કટાક્ષ કર્યો કે સાંસદ પોતે મોદીની મહેરબાનીથી બન્યા છે અને હવે પોલીસનો રોફ બતાવી રહ્યા છે. અનંત પટેલે સાંસદ ધવલ પટેલને કોઈપણ મુદ્દે ખુલ્લી ડિબેટ (ચર્ચા) કરવા માટે પડકાર ફેંક્યો છે.

આદિવાસી રાજકારણમાં ગરમાવો

ચાસમાંડવા ગામે આપેલા આ નિવેદનો બાદ વલસાડ અને નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અનંત પટેલના આ આક્ષેપોને લઈને ભાજપ તરફથી કેવો વળતો પ્રહાર આવે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો