મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ વિકાસ જરૂરી, પણ અન્યાય નહીં; હિંમતનગરનું ‘HUDA હટાવો’ આંદોલન પાર્ટ-2માં પ્રવેશ્યું, 11 ગામના ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA - હૂડા) ના નોટિફિકેશન સામે હિંમતનગરના 11 ગામોના ખેડૂતો અન

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA - હૂડા) ના નોટિફિકેશન સામે હિંમતનગરના 11 ગામોના ખેડૂતો અને રહેવાસીઓનો વિરોધ દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી સતત ચાલી રહેલો આ વિરોધ હવે ‘હૂડા હટાવો આંદોલન પાર્ટ-2’ તરફ આગળ વધી રહ્યું છે. જેમાં ખેડૂતો અને સ્થાનિકોએ સરકાર સામેનું પોતાનું આંદોલન વધુ મજબૂત કરવા માટે પાંચ દિવસીય પદયાત્રાનું આયોજન કર્યું છે.

વિકાસ સામે નહીં, નિર્ણય સામે વિરોધ

હિંમતનગર શહેરને સાબરકાંઠા જિલ્લાનું વડુમથક ગણવામાં આવે છે અને સરકાર દ્વારા આસપાસના અગિયાર ગામોને જોડીને હૂડા હેઠળ વિકાસ અમલમાં મૂકવામાં આવ્યો છે. જોકે, ખેડૂતો અને સ્થાનિકોનો વિરોધ વિકાસ સામે નથી, પરંતુ સરકાર અને સ્થાનિક તંત્રના આ નિર્ણય સામે છે.

ખેડૂતોનું માનવું છે કે હૂડા લાગુ કરવાથી તેમની મોટાભાગની ખેતીની જમીન વિકાસના નામે સંપાદન થઈ જશે, જેના કારણે તેઓ જમીન વિહોણા બની જશે. આ જ કારણોસર, હૂડાને કાયમી ધોરણે રદ કરવાની તેમની મુખ્ય માંગ છે.

ત્રણ મહિનાથી સતત આંદોલન
 
હૂડા હટાવો સંકલન સમિતિના આગેવાન ઉત્સવ પટેલે જણાવ્યું કે નોટિફિકેશન જાહેર થયા બાદ ત્રણ મહિના અગાઉ વિરોધની શરૂઆત થઈ હતી. આ સમયગાળામાં રેલીઓ, ગામડે-ગામડે જનસંપર્ક, જાહેરસભા અને આવેદનપત્રો દ્વારા વિરોધ નોંધાવાયો હતો. સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ મુખ્યમંત્રી અને વિકાસમંત્રી સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવાને બદલે સરકારે માત્ર આશ્વાસન આપ્યું હતું અને વિરોધ સ્થગિત રાખવા માટે અપીલ કરી હતી. 

સ્થાનિક ખેડૂત સાજિદ રેવાસિયાએ જણાવ્યું કે, વર્ષ 2015માં પણ હૂડાનું નોટિફિકેશન જાહેર કરાયું હતું, ત્યારે પણ ઉગ્ર વિરોધના કારણે સરકારે નિર્ણય પરત ખેંચવો પડ્યો હતો. હવે દસ વર્ષ પછી ફરી આ નોટિફિકેશન જાહેર થયું છે.

આંદોલન પાર્ટ-2: પાંચ દિવસીય પદયાત્રા

સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાતા, હૂડા હટાવો સંકલન સમિતિની આગેવાનીમાં આંદોલન હવે પાર્ટ-2 તરફ આગળ વધ્યું છે.  પાંચ દિવસ સુધી ચાલનારી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હૂડા નામના વિકાસથી ખેડૂતો અને સ્થાનિકોને થનારા નુકસાન બાબતે દરેક વ્યક્તિ સુધી સ્પષ્ટ મેસેજ પહોંચાડવાનો છે.

ગામડામાં પ્રવેશ કરતી આ પદયાત્રાને ખેડૂતો સહિત સ્થાનિકો તરફથી ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે સરકાર સામેનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે.  આગામી દિવસોમાં હૂડા સામેનો આ વિરોધ કયો અને ક્યાં પ્રકારનો માર્ગ અપનાવે છે, તે જોવું ખૂબ જ મહત્ત્વનું બની રહેશે.

આ સમાચાર શેર કરો