Video/ પંચમહાલમાં ખનીજ માફિયાઓનું હાઈટેક નેટવર્ક, સરકારી અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાયરલ
પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ કેટલા બેફામ બન્યા છે તેનો જીવતો પુરાવો


પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ કેટલા બેફામ બન્યા છે તેનો જીવતો પુરાવો સામે આવ્યો છે. સરકારી અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે માફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ અને ઓડિયો મેસેજનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
ઓફિસથી લોકેશન સુધીની રજેરજની માહિતી
સામે આવેલા પુરાવા મુજબ, ખનીજ માફિયાઓ અધિકારીઓની ગાડીઓની સતત રેકી કરે છે. અધિકારી જેવી જ પોતાની ઓફિસમાંથી બહાર નીકળે કે તુરંત જ તેની હિલચાલ, ગાડીનો નંબર અને તે કયા રૂટ પર છે તેની માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવે છે. ખાસ કરીને ગોધરા અને કાલોલ વિસ્તારના રૂટ, લોકેશન અને સમયની વિગતો માફિયાઓ વચ્ચે સેકન્ડોમાં ફેલાઈ જાય છે.
ચેકિંગ પહેલા જ માફિયાઓ થઈ જાય છે એલર્ટ
આ નેટવર્ક એટલું સક્રિય છે કે ખનીજ વિભાગ કે પોલીસ ઓચિંતું ચેકિંગ કરવા નીકળે તે પહેલા જ ફિલ્ડ પર રહેલા માફિયાઓને એલર્ટ મળી જાય છે. પરિણામે, ગેરકાયદેસર ખનન અને વહન કરતી પ્રવૃત્તિઓ તુરંત બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે સરકારી અધિકારીઓ ખાલી હાથે પરત ફરે છે.
સુરક્ષા સામે ગંભીર સવાલ
માફિયાઓના આ ઓડિયો મેસેજ સામે આવ્યા બાદ માત્ર ખનીજ ચોરી જ નહીં, પરંતુ સરકારી અધિકારીઓની સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અધિકારીઓની પ્રાઈવસી અને સુરક્ષા જોખમાતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની તજવીજ હાથ ધરાઈ છે.








