Video/ ગોધરામાં ભ્રષ્ટાચારની ખૂલી પોલ, સમાજ કલ્યાણ વિભાગના અધિકારી લાંચ લેતા કેમેરામાં કેદ
પંચમહાલ જિલ્લામાં સરકારી બાબુઓની મનસ્વી કામગીરી અને ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્


પંચમહાલ જિલ્લામાં સરકારી બાબુઓની મનસ્વી કામગીરી અને ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોધરા સ્થિત સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં કાર્યરત જવાબદાર અધિકારી આર. જે. ડોડીયાનો લાંચ લેતો વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રૂપિયા 8 હજારની લાંચના દ્રશ્યો કેમેરામાં કેદ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં અધિકારી આર. જે. ડોડીયા સરકારી યોજના હેઠળ કામ કરાવી આપવા બદલ રૂપિયા 8 હજારની લાંચ અંગે વાતચીત કરતા અને રકમ સ્વીકારતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વીડિયોમાં લાંચની માંગણીનો ખુલ્લો ઉલ્લેખ હોવાનું પણ સામે આવ્યું છે.
અધિકારીનો બચાવ: "વીડિયો એડિટેડ છે"
આ ગંભીર મામલે જ્યારે લાંચિયા અધિકારી ડોડીયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાની પોલ છુપાવવા માટે વીડિયોને એડિટેડ ગણાવ્યો હતો. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે આ વીડિયો અંદાજે બે માસ અગાઉનો છે અને આ બાબતે તેમની કમિશ્નર સાથે ફોન પર વાતચીત પણ થઈ ચૂકી છે.
તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
આ ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે. જો આ વીડિયો કમિશ્નર સુધી પહોંચી ગયો હોય, તો અત્યાર સુધી તપાસ કેમ શરૂ કરવામાં આવી નથી? જાહેરમાં લાંચ લેતા ઝડપાયેલા અધિકારી સામે વહીવટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી મામલો દબાવી દેવાશે? ભ્રષ્ટાચારના આ ખુલ્લા ખેલ બાદ હવે સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારી સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.








