મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણામાં પીવાના પાણીના સંપ પાસે ગટરના પંપિંગ સ્ટેશનનો ઉગ્ર વિરોધ

VIDEO: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ગટર લાઇનના આયોજન

તસવીર: GSTV

VIDEO: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા ગટર લાઇનના આયોજને હાલમાં વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના એક રહેણાંક વિસ્તારમાં પીવાના પાણીના મુખ્ય સંપ (ટાંકી)ની બિલકુલ નજીક જ ભૂગર્ભ ગટરનું પંપિંગ સ્ટેશન બનાવવાની હિલચાલ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે આ મામલે મોટી સંખ્યામાં લોકોએ મહાનગરપાલિકા કચેરીમાં ધસી જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શું છે સમગ્ર વિવાદ?
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીના નિકાલ માટે નવા પંપિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ પ્રોજેક્ટ જ્યાં પીવાના પાણીનો મુખ્ય સપ્લાય સ્ત્રોત છે તેની એકદમ નજીક હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે: ગટરનું ગંદુ પાણી અને પીવાનું ચોખ્ખું પાણી એકબીજાની નજીક હોવાથી ભવિષ્યમાં લીકેજને કારણે પાણી પ્રદૂષિત થઈ શકે છે.જો ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળશે, તો આખા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ છે. આ આયોજન લોકોના જીવ સાથે ચેડાં કરવા સમાન છે.

મહાનગરપાલિકામાં ઉગ્ર દેખાવો અને રામધૂન
આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ કમિશનર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી હતી. વિરોધ એટલો ઉગ્ર હતો કે રહીશોએ કચેરીના પરિસરમાં જ બેસીને 'રામધૂન' બોલાવી તંત્રની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. લોકોની એક જ માગ હતી કે, આ પંપિંગ સ્ટેશનનું સ્થળ તાત્કાલિક બદલવામાં આવે.

તંત્રનો બચાવ અને આશ્વાસન
લોકોના આક્રોશને જોતા ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પરિસ્થિતિને થાળે પાડવા માટે ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી હતી કે, હાલમાં આ કામગીરી બંધ કરી દેવામાં આવશે અને રહીશોની લાગણી તેમજ આરોગ્યને ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો