Magh Mela 2026: પ્રયાગરાજમાં માઘ મેળાનો ભવ્ય પ્રારંભ, પ્રથમ દિવસે 35 લાખથી વધુ લોકોએ કર્યું સ્નાન

Magh Mela 2026: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પોષ મહિનાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે માઘ મેળાનો પ્રારંભ થયો છે. કાતિલ ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં ભાવિકો માઘ મેળાના પહેલા દિવસે સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. સાંજે સાત વાગ્યા સુધી કુલ 31 લાખ લોકોએ ડૂબકી લગાવી હતી. દિવસ પૂર્ણ થવા છતાં આ સંખ્યા 35 લાખને પાર પહોંચવાનું અનુમાન છે.
કડકડતી ઠંડી પર આસ્થા ભારે
શ્રદ્ધાળુઓએ કરી વ્યવસ્થાના વખાણ પોષ પૂર્ણિમાના અવસરે સંગમના વિવિધ ઘાટ પર વહેલી સવારથી જ સ્નાનનો ક્રમ શરૂ થઈ ગયો હતો. હરિયાણાના રેવાડીથી આવેલા શ્રદ્ધાળુએ જણાવ્યું કે, "સરકારે મેળા વિસ્તારમાં અવરજવરથી લઈને સ્નાન માટે ઘાટ પર ઉત્તમ વ્યવસ્થા કરી છે." તો બીજી તરફ, મધ્યપ્રદેશના સિહોરથી આવેલા ભાવિકે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "મહાકુંભ દરમિયાન ત્રિવેણી સ્નાનની જે ઈચ્છા અધૂરી રહી ગઈ હતી, તે આજે માઘ મેળામાં પૂર્ણ થઈ છે. અહીંની સ્વચ્છતા અને વ્યવસ્થા ખરેખર પ્રશંસનીય છે." સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયોના સંતો-મહંતોએ પણ પવિત્ર જળમાં સ્નાન કરી મેળાની શરૂઆત કરી હતી.
સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
માઘ મેળા પર 1500થી વધુ CCTV કેમેરા દ્વારા નજર રખાઈ રહી છે. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વહીવટીતંત્ર સતર્ક છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સમગ્ર મેળા વિસ્તારમાં 1500થી વધુ CCTV કેમેરા દ્વારા સેન્ટ્રલ કમાન્ડ સેન્ટરથી 24 કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભીડને નિયંત્રિત કરવા માટે આધુનિક સાધનોથી સજ્જ સુરક્ષાકર્મીઓ તૈનાત છે. આ ઉપરાંત વોચ ટાવર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને જળ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે.
4 લાખથી વધુ કલ્પવાસીઓનો સંકલ્પ
મોક્ષદાયિની ગંગા નદી કિનારાની તટે દર વર્ષે યોજાતી 'કલ્પવાસ'ની ધાર્મિક પરંપરા પણ આ પ્રથમ સ્નાન સાથે શરૂ થઈ ગઈ છે. મેળા વિસ્તારમાં કલ્પવાસીઓ માટે ખાસ બનાવવામાં આવેલું 'પ્રયાગવાલ નગર' ભક્તોની ઉપસ્થિતિથી જીવંત બની ગયું છે. પોષ પૂર્ણિમાથી માઘ પૂર્ણિમા સુધી ચાલનારા આ એક મહિનાના કઠિન કલ્પવાસ માટે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કરીને આજે ભક્તિમય સંકલ્પ લીધો હતો.

