છોટાઉદેપુર ન્યૂઝ: દૂષિત પાણીથી બોર અને કૂવા પ્રદૂષિત, નસવાડી તાલુકાના લિન્ડા ગામના સરપંચે કરી ઉગ્ર રજૂઆત
છોટાઉદેપુર ન્યૂઝ: નસવાડી તાલુકાના લિન્ડા ગામ પાસે ચાલતી મોડલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની ગટરો ઊભરાતા તેનું દૂષિત પાણી રોડની સાઇડમાં કોતરો સુધી આવતા આજુબાજુના ખેતરોમાંના બોર તેમજ કૂવા દૂષિત પાણી વાળા બન્યા છે. જેથી લિન્ડા ગામના સરપંચે આ અંગે બેવાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાંય તંત્રના અધિકારીઓ કોઈ પગલાં ભરતા નથી. જેથી ગમે તે સમયે પાટનગર ગાંધીનગર અથવા ઈંદોર જેવો દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિન્ડા ગામ પાસે મોડલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય પીસાયતા, ધારસીમેલ, ઘુટિયાઆંબા ચાલે છે. જેમાં 2000 જેટલી વિધાર્થિનીઓને રહેવા જમવાની સુવિધા સાથેનું વિશાળ કેમ્પસ આવેલું છે. આ કેમ્પસમાં શૌચાલય અને બાથરૂમના પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરો ઉભરાઈ રહી છે. શાળાના સંચાલકો દ્વારા કેમ્પસની કમ્પાઉન્ડ વૉલને તોડીને આ પાણી રોડની સાઇડમાં નિકાલ કર્યો છે. આ પાણી દોઢ કિલોમીટર સુધી કોતરમાં વહી રહ્યું છે. જેના કારણે પાણીનો કલર પણ બદલાઈ ગયો છે. જ્યારે આ હૉસ્ટેલના બોરના પાણી પણ વિધાર્થીઓ રોજિંદા વપરાશમાં ઉપયોગ કરે છે. જ્યારે લિન્ડા ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા મુજબ આ હૉસ્ટેલના પાણીથી આજુબાજુના ખેતરોમાં આવેલા બોર, કૂવા અને નજીકમાં આવેલ લિન્ડા ગામના વોટરવર્ક્સના બોરના પાણી પણ દૂષિત બન્યા છે. જ્યારે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેમ છે. જ્યારે ખતરોમાં રહેતા પરિવારોને બોરના પાણી પીવાલાયક રહ્યા નથી. ખેતીને પણ નુકસાન થાય છે. મચ્છરોનો ઉપદ્રવ છે.
કેટલાય પરિવારો આ દૂષિત પાણીથી હેરાન પરેશાન થઈ ગયા છે. આની લેખિતમાં રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ પણ પગલા ભરતું નથી ત્યારે રોગચાળાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. નસવાડી તાલુકાના લિન્ડા ગામે ચાલતી મોડલ સ્કૂલ નસવાડી તેમજ અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય પીસાયતા, ધારસીમેલ, ઘુટિયાઆંબા સ્કૂલ ચલાવવા માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, ત્યારે પ્રાયોજના વહીવટદાર તેમજ તંત્ર અધિકારીઓ આ ગટરની સમસ્યા તરફ ધ્યાન આપવું જોઈએ .જ્યારે બીજી તરફ હજારો બાળકોનાં જીવનું જોખમ હોય ત્યારે અધિકારીઓએ કાળજી લેવી જોઈએ. કોઈ ઘટના બને ત્યારે અધિકારીઓ દોડતા થાય છે. પ્રજાની રજૂઆત સંભાળમાં અધિકારીઓને રસ નથી તેનો આ વરવો નમૂનો છે.

