મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ આણંદના મોગરી રોડ પર ભીષણ આગ: વાહનો અને તમાકુની ગુણીઓ બળીને ખાખ

આણંદ શહેરના મોગરી રોડ વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવતાં વિસ્તારમાં અ

તસવીર: gstv

આણંદ શહેરના મોગરી રોડ વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં વાહનો અને તમાકુની ગુણીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

મળતી માહિતી મુજબ, આણંદના મોગરી રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં સ્થાનિક રહીશ નરેન્દ્રભાઈના ઘર નજીક અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. આગની ઊંચી જ્વાળાઓને કારણે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ આણંદ તથા કરમસદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરમેન અબ્દુલ પઠાણીયા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સતત લગભગ એક કલાક સુધી ચાલેલી કામગીરી બાદ આગને સંપૂર્ણ રીતે કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

આ ભીષણ આગમાં ત્યાં પાર્ક કરાયેલા વાહનો તેમજ રાખવામાં આવેલી તમાકુની ગુણીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે.



મોટી આગ હોવા છતાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન થતા સ્થાનિક લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો