Video/ પાનોલીમાં ભીષણ આગ: ‘ક્રિશી રસાયણ’ કંપનીમાં બ્લાસ્ટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા, મેજર કોલ જાહેર
એશિયાની સૌથી મોટી ગણાતી અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી (GIDC) માં ફરી
એશિયાની સૌથી મોટી ગણાતી અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી (GIDC) માં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. પાનોલી સ્થિત 'ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં રવિવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અને અગન જ્વાળાઓ દૂર-દૂર સુધી જોઈ શકાતી હતી.
વિકરાળ આગ અને મેજર કોલ
મળતી માહિતી મુજબ, કંપનીમાં કોઈ કારણસર આગ લાગ્યા બાદ તેણે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેમિકલના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો.
ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે
આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર અને પાનોલીના 5 થી વધુ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સતત પાણી અને ફોમનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા પ્રક્રિયા દરમિયાન કોઈ ખામી હોવાની આશંકા સેવાઈ રહી છે.
ડીપીએમસી (DPMC) દ્વારા કામગીરી
આ અંગે અંકલેશ્વર ડીપીએમસીના પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, આગની જાણ થતા જ ફાયર ટીમ સક્રિય થઈ ગઈ હતી. આસપાસની કંપનીઓને સાવચેત કરી દેવામાં આવી છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે કંપનીમાંથી કામદારોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી છે.







