VIDEO: HUDAનો કાયદો રદ થતાં ખેડૂતો ખુશ, અબીલ-ગુલાલથી રંગ અને આકાશ આતશબાજીથી ગુંજી ઉઠ્યું હિંમતનગર
ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ
ગુજરાતના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 108 દિવસથી ચાલતા ખેડૂતોના આંદોલનનો આખરે અંત આવ્યો છે. હૂડાના નોટિફિકેશન સામે રાજ્ય સરકાર ઝૂકી છે અને નોટિફિકેશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી 11 ગામના ખેડૂતોને મોટી રાહત મળી
આ નિર્ણયથી 11 ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે. નોટિફિકેશનના કારણે અનેક ખેડૂતો જમીનવિહોણા બનવાની ભીતિ હતી. નિર્ણયના સ્વાગતરૂપે હિંમતનગરના માર્ગો પર અબીલ-ગુલાલ અને આતશબાજી કરી ખુશી વ્યક્ત કરાઈ. હૂડા સંકલન સમિતિ અને ખેડૂતોએ સરકારનો આભાર માન્યો. સરકારએ આગામી દિવસોમાં નોટિફિકેશન સંપૂર્ણ રદ કરવાની બાંહેધરી આપી છે.
અબીલ-ગુલાલથી રંગ અને આકાશ આતશબાજીથી ગુંજી ઉઠ્યું હિંમતનગર, આ દ્રશ્યો એ 11 ગામના ખેડૂતોના વિજયના છે, જેમણે છેલ્લા 108 દિવસથી તડકો, ટાઢ અને વરસાદ વેઠીને પોતાની જમીન બચાવવા માટે લડત આપી હતી. હુડા (HUDA) ના નોટિફિકેશનના કારણે ખેડૂતોમાં ભારે ફાળ પડી હતી, કારણ કે આ નોટિફિકેશનના અમલથી ખેડૂતો પોતાની હરિયાળી જમીન ગુમાવીને જમીન વિહોણા બને તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ કાળો કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ જંપશે નહીં
ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો હતો કે જ્યાં સુધી આ કાળો કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ જંપશે નહીં. આ આંદોલનની તાકાત એટલી હતી કે ખેડૂતોએ પોતાની દિવાળી પણ સુધારી નહોતી અને કાળી દિવાળી મનાવી વિરોધ નોંધાવ્યો હતો. આખરે આ લાંબા સંઘર્ષનો સુખદ અંત આવ્યો છે અને હિંમતનગરમાં સાચી દિવાળીનો માહોલ આજે જોવા મળી રહ્યો છે.






