મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મૃતકનો 'આત્મા લેવા' ભુવાને લઈ પહોંચ્યા પરિવારજનો

આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લામાંથી

આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યું છે. બીમારીના કારણે મૃત્યુ પામેલા એક વ્યક્તિનો 'આત્મા લેવા' માટે સ્વજનો અને ભુવા સિવિલ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તાંત્રિક વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે.

 મૃત્યુના ત્રણ દિવસ પછી 'આત્મા લેવા' આવ્યા પરિવારજનો 

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી એક વ્યક્તિનું ત્રણ દિવસ પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું.  મૃતકના પરિવાજનો સૂતક હોવાને કારણે વિધિ કરવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓની માન્યતા મુજબ, તેઓ મૃતકનો આત્મા લેવા માટે બળવા (ભુવા) સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. બળવાએ(ભુવા) હોસ્પિટલમાં જ તાંત્રિક વિધિ કરી હતી અને ત્યારબાદ મૃતકનો 'આત્મા' લઈને પરત ફર્યા હતા.

સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટની પ્રતિક્રિયા

આ ઘટના બાદ જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડૉ. કેવલ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. આદિવાસી વિસ્તારની અંધશ્રદ્ધા વિષે ડૉ. મોદીએ જણાવ્યું કે આ આદિવાસી વિસ્તારની અંધશ્રદ્ધા છે. "કોઈ સ્વજનનું મોત થયું હોય, પછી એ લોકો ભુવા કે અન્ય લોકોને લઈને આવી વિધિ કરતા હોય છે. અમે અંધશ્રદ્ધા બાબતે વિરોધમાં છીએ અને અંધશ્રદ્ધાનું અમે અહીં પાલન કરવા દેતા નથી."

સુરક્ષાનો અભાવ: તેમણે સ્વીકાર્યું હતું કે "જનરલ હોસ્પિટલમાં સિક્યુરિટીનો અભાવ અને સ્ટાફના અભાવના કારણે ઘણીવાર આ લોકો આવી વિધિ કરતા હોય છે." ડૉ. મોદીએ ઉમેર્યું કે તેઓ આવું રોકવાનો બને એટલો પ્રયાસ કરે છે.

આ સમાચાર શેર કરો