Video/ બાવળામાં ડમ્પરનો આતંક, અકસ્માત સર્જી ફરાર થતા ટોળાએ પોલીસની હાજરીમાં જ કર્યો પથ્થરમારો!
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પરોનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બાવળ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડમ્પરોનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બાવળા તાલુકાના કવલા નાનોદરા ગામમાં આજે એક બેફામ ડમ્પર ચાલકે વાહનને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
પીછો કરીને ડમ્પર આંતર્યું, પોલીસ સમક્ષ પથ્થરમારો
અકસ્માત સર્જીને ફરાર થયેલા ડમ્પરનો સ્થાનિક લોકોએ પીછો કર્યો હતો અને તેને કેરાળા ગામ પાસે આંતર્યો હતો. ગામ્ય વિસ્તારમાં બેફામ ચાલતા ડમ્પરોના ત્રાસથી ઉશ્કેરાયેલા ટોળાએ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યું નહોતું. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની હાજરીમાં જ આ ટોળાએ ડમ્પર પર જોરદાર પથ્થરમારો કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં ડમ્પર ચાલકો પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટ દેખાય છે.
તંત્રની કાર્યવાહી પર સવાલ
સ્થાનિક લોકોની મુખ્ય માંગ છે કે આ બેફામ ચાલતા, રોયલ્ટી વગરના અને ઓવરલોડ ડમ્પરો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિકોએ માગ કરી છે કે સુરેન્દ્રનગરમાં જે રીતે ડમ્પરો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી, તેવી જ કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ યોગ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવે.








