Ahmedabad/ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો છબરડો, આવતીકાલનું પેપર આજે પૂછી નખાયું!
ગુજરાત યુનિવર્સિટી (GU) ની પરીક્ષાઓમાં ફરી એકવાર ગંભીર છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટીન

ગુજરાત યુનિવર્સિટી (GU) ની પરીક્ષાઓમાં ફરી એકવાર ગંભીર છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોની ઉદાસીનતાને કારણે આ વખતે MMCJ (Master of Mass Communication and Journalism)ની પરીક્ષામાં આવતીકાલે લેવાનારો વિષયનું પેપર આજે જ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું, જેના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો છે.
આવતીકાલનું 'રીસર્ચ પેપર' આજે પૂછી નખાયું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, MMCJના વિદ્યાર્થીઓની આજે લેવાયેલી પરીક્ષામાં ગંભીર ભૂલ થઈ હતી. નિયત સમયપત્રક મુજબ આજે જે વિષયનું પેપર લેવાનું હતું તેના બદલે, યુનિવર્સિટીના વહીવટી તંત્રની ભૂલના કારણે આવતીકાલે લેવાનારો રીસર્ચ પેપર (Research Paper) વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવ્યો હતો.આ ભૂલ ધ્યાનમાં આવતાની સાથે જ પરીક્ષા કેન્દ્રો પર હાજર શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો.
સત્તાધીશોની ઉદાસીનતા પર સવાલ
યુનિવર્સિટીમાં અવારનવાર થતા પરીક્ષાના છબરડાઓથી શિક્ષણની ગુણવત્તા અને સત્તાધીશોની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે. પરીક્ષાનું સંચાલન કરવામાં યુનિવર્સિટી તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (MMCJ) વિભાગની ત્રીજા સેમેસ્ટરની 24 નવેમ્બર, સોમવારના રોજ આયોજિત પરીક્ષામાં વિદ્યાર્થીઓને 25 નવેમ્બરની પરીક્ષાનું પ્રશ્નપત્ર વહેંચી દેવામાં આવ્યું હતું. આમ, પરીક્ષામાં બીજા જ કોઈ વિષયનું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા અને યુનિવર્સિટીના સંચાલકોની બેદરકારીનો વિરોધ પણ કર્યો હતો.
એક કલાકનો વધુ સમય આપવામાં આવ્યો
ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં 24 નવેમ્બર, સોમવારના રોજ ત્રીજા સેમેસ્ટરની મીડિયા રિસર્ચની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને 25 નવેમ્બરે યોજાનારી સ્ટડી ઓફ ગ્રેડ્સની પરીક્ષાનું પ્રશ્નપત્ર આપી દેવાયું હતું. આમ, પરીક્ષામાં બીજા જ કોઈ વિષયનું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. આ ગરબડ દરમિયાન તંત્ર અડધો કલાક સુધી કોઈ નક્કર નિર્ણય લઈ ન શક્યા હતા. ત્યાર પછી અગાઉનું પ્રશ્નપત્ર લઈને તેમને મીડિયા રિસર્ચનું પેપર અપાયું હતું.
આ કારણસર વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી કરવા માટે એક કલાકનો વધુ સમય અપાયો હતો. જોકે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સંચાલકો સામે આવા છબરડાને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી હતી.
NSUI દ્વારા છબરડાનો વિરોધ
આ ઘટના અંગે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા પણ વિરોધ કરાયો હતો. NSUIના નેતાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઘણી વાર પરીક્ષામાં કૌભાંડો બહાર આવે છે. થોડા દિવસ પહેલાં જીટીયુ યુનિવર્સિટીમાં કોપી પેસ્ટ પેપર આવ્યું હતું. હવે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ભૂલથી આવતીકાલની પરીક્ષાનું મીડિયા રિસર્ચનું પેપર પૂછી લીધું. વિદ્યાર્થીઓએ પેપર હાથમાં આવ્યું ત્યારે જોયું કે, આ તો આવતીકાલનું પેપર છે. વિદ્યાર્થીઓએ આ વિશે જાણ કરી તો સત્તાધીશો ઊંઘમાં હોય તેવું લાગ્યું. ત્યારબાદ અડધો કલાક પછી તેઓ આજની પરીક્ષાનું પેપર લઈને આવ્યા. ત્યાર પછી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે, તમને પેપર લખવા માટે એક કલાકનો વધુ સમય આપવામાં આવશે.
પરીક્ષા નિયામક સામે ગંભીર આરોપ
આ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, પરીક્ષા નિયામકની જવાબદારી હોય છે કે, પેપર સેટ કઈ રીતે થયા છે? પેપર સેટ થયું છે કે નથી થયું? પરંતુ, પરીક્ષા નિયામક ખાલી નાસ્તો કરવામાં વ્યસ્ત હોય છે એમને બીજુ કોઈ ધ્યાન જ હોતું નથી. આવા છબરડા ક્યારે ચલાવી લેવાય જ નહીં. પરીક્ષા નિયામક સામે કુલપતિને કોઈક એક્શન લેવા પડશે. જો એવું નહીં થાય તો NSUI ઉગ્ર આંદોલન કરશે.
વિદ્યાર્થીઓ માટે શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા
આ છબરડા મામલે પરીક્ષા નિયામક કલ્પેનભાઈ વોરાએ જણાવ્યું કે, આજે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં 502 નંબરના વિષયની પરીક્ષા હતી, જેનું નામ મીડિયા રિસર્ચ છે. જો કે, મીડિયા રિસર્ચના બદલે સ્ટડી ઓફ ધ ગ્રેડ્સનું પ્રશ્નપત્ર અપાઈ ગયું, જે 503 નંબરનો વિષય છે. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા કરીને રાબેતા મુજબનું મીડિયા રિસર્ચનું પ્રશ્નપત્ર પહોંચતું કર્યું હતું. આ માટે વિદ્યાર્થીઓને વધારાના સમયની જરૂર હોય તો, તે સમય આપવા પણ સૂચના અપાઈ હતી







