Video: વરસાદને કારણે Suratના ટેક્સટાઇલ વેપારીઓની બગડી દિવાળી, ખરીદીમાં 30% સુધીનો ઘટાડો
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સામાન્ય રીતે ધમધમતું
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સામાન્ય રીતે ધમધમતું રહેતું સુરતનું ટેક્સટાઇલ માર્કેટ આ વખતે સુમસામ જોવા મળી રહ્યું છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે સુરતના વેપારીઓનો વેપાર બગડ્યો છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે ખરીદીમાં આ વખતે 30 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
18 હજાર કરોડના વેપાર સામે 14 હજાર કરોડની ચિંતા
સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી રંગના શારદાએ પરિસ્થિતિ અંગે વાત કરતાં જણાવ્યું કે, "આટલા વર્ષોથી માર્કેટમાં ધંધો કરી રહ્યા છીએ, પરંતુ આ વખતની સ્થિતિ ખૂબ જ કફોડી છે. ટેક્સટાઇલ માર્કેટમાં તમામ વેપારીઓ અને દુકાનોમાં ગ્રાહકોની ગેરહાજરી જોવા મળી રહી છે. ગત વર્ષે અમે લગભગ 18 હજાર કરોડનો વેપાર કર્યો હતો, પરંતુ આ વખતે વેપારીઓને ચિંતા છે કે કદાચ 14 હજાર કરોડનો વેપાર પણ નહીં થાય."
ટેક્સટાઇલ માર્કેટમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે ઓનલાઇન બિઝનેસ કરતા વેપારી સાથે પણ જીએસટીવી દ્વારા વાતચીત કરવામાં આવી ; દિવાળીને લઈને વેપારીઓ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી પેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાહકો દેખાતા નથી, ઓફલાઈન તો નહિ પરંતુ ઓનલાઇનની અંદર પણ ખરીદીનો માહોલ જોવા નથી મળી રહ્યો, 30 થી 40 ટકાનો ઘટાડો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે..
વેપારીઓ આ મંદીનું મુખ્ય કારણ દેશના અલગ-અલગ રાજ્યોમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ જણાવી રહ્યા છે. દિવાળી જેવા તહેવારોમાં સુરતનું કાપડ અલગ-અલગ રાજ્યોમાં મોટા પ્રમાણમાં જતું હોય છે, પરંતુ વરસાદ અને પૂરની સ્થિતિના કારણે લોકો અવરજવર કરવામાં અટવાયા હતા, જેના પરિણામે ખરીદી માટે ગ્રાહકો માર્કેટ સુધી પહોંચી શક્યા નથી.
કામદારો પણ ચિંતામાં
ટેક્સટાઇલ માર્કેટમાં પેકિંગનું કામ કરનારા કામદારો સાથેની વાતચીતમાં પણ તેમણે આ જ ચિંતા વ્યક્ત કરી હતી. કામદારોએ જણાવ્યું કે, "માર્કેટમાં પરિસ્થિતિ ખરાબ છે. દિવાળી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હતી અને પેકિંગનું કામ પણ ખૂબ જ વધારે રહેતું, પરંતુ આ વખતે ગ્રાહકો ન દેખાતા હોવાથી વેપારીઓ અને ખાસ કરીને કામદારો પણ રોજીરોટીની ચિંતામાં જોવા મળી રહ્યા છે."








