Video/ ધોરાજીમાં રવિ પાકમાં રોગચાળો વકર્યો, ખેડૂતો પાયમાલ થવાની ભીતિમાં
ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો માટે 'એક સાંધે ત્યાં તેર તૂટ
ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો માટે 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયા બાદ, હવે રવિ પાકમાં પણ વાતાવરણના ફેરફારને કારણે રોગચાળો ફાટી નીકળતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.
ચોમાસા બાદ રવિ પાકમાં પણ નિષ્ફળતાની આશંકા
ગયા વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે કપાસ અને મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું હતું. આ આર્થિક ફટકામાંથી બહાર આવવા માટે ખેડૂતોએ આશાસ્પદ રીતે રવિ સીઝનમાંઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. જોકે, શરૂઆતમાં જ માવઠું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
બદલાતું વાતાવરણ અને નવા રોગોનો ઉપદ્રવ
માવઠાં બાદ ખેડૂતોએ મોંઘી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પાકને બચાવવા દિવસ-રાત એક કર્યા હતા, પરંતુ હવે અસંતુલિત વાતાવરણ નવી મુસીબત લઈને આવ્યું છે.
-
રોગોનું પ્રમાણ: સતત બદલાતા તાપમાન, ધુમ્મસ અને ભેજવાળા પવનને કારણે પાકમાં ચરમી, પીળીયો અને થ્રિપ્સ જેવા રોગોએ ભરડો લીધો છે.
-
જીવાતોનો આતંક: ભેજવાળા વાતાવરણને લીધે ઘઉંના મૂળમાંચુસિયા પ્રકારની જીવાતો અને ઇયળો જોવા મળી રહી છે, જેના કારણે પાકની વૃદ્ધિ અટકી ગઈ છે.
ખેડૂતોની વેદના
સ્થાનિક ખેડૂતો વસંતભાઈ હીરપરા અને જયેશભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, એક તરફ ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને માર્કેટ યાર્ડમાં જણસના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે બીજી તરફ કુદરતી આફતો ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી રહી છે. દવાઓના છંટકાવનો ખર્ચ વધી રહ્યો છે પરંતુ સામે ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી શક્યતા છે.








