Video/ Dhoraji માં મોટી દુર્ઘટના, જર્જરિત મકાનનો સ્લેબ તૂટતાં 5 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ
ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હત
ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક જૂનવાણી અને જર્જરિત મકાનનો સ્લેબ અને દીવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત 5 વર્ષની એક માસૂમ બાળકી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.
વહેલી સવારે સર્જાઈ દુર્ઘટના
સ્થાનિક અગ્રણી ઈમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના આજે સવારે આશરે 7:30 વાગ્યા આસપાસ બની હતી. જર્જરિત મકાનના ત્રીજા માળેથી સ્લેબ અને દીવાલનો મોટો હિસ્સો ધરાશાયી થતાં નીચે રહેલો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. મકાનનો આગળનો ભાગ અને દીવાલ તૂટી પડવાના કારણે નીચેના રસ્તા પર પણ કાટમાળના ખડકલા થઈ ગયા હતા.
બાળકીને ગંભીર ઈજાઓ
આ દુર્ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોને નાની-મોટી ઈજા થઈ હતી, જ્યારે 5 વર્ષીય માસૂમ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક ધોરાજીથી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે.
નગરપાલિકાની ઘોર બેદરકારી પર પ્રચંડ રોષ
આટલી મોટી ઘટના બનવા છતાં ધોરાજી નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી હતી. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો, અને ઘટનાના લાંબા સમય બાદ પણ એક પણ અધિકારી કે કર્મચારી સ્થળ પર ફરક્યા નહોતા. ઘટનાસ્થળે માત્ર GEB (વીજળી વિભાગ) ની ટીમ પહોંચી હતી, જ્યારે પાલિકા તંત્રની ગેરહાજરીએ લોકોમાં પ્રચંડ રોષ પેદા કર્યો હતો. ભરચક વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે, ત્યારે નગરપાલિકાની આવી નિષ્ક્રિય કામગીરી સામે સ્થાનિક લોકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.








