મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સુરેન્દ્રનગરમાં ખેડૂતોની આશા પર ફેરવાયું પાણી: એક જ રાતમાં જીરાનો ઉભો પાક સુકાયો

ઝાલાવાડ પંથકમાં જીરાના પાકને ‘સોનાના પારણા’ સમાન ગણવામાં આવે છે, પરંતુ આ વર્ષે ક

તસવીર: gstv

ઝાલાવાડ પંથકમાં જીરાના પાકને ‘સોનાના પારણા’ સમાન ગણવામાં આવે છે, પરંતુ આ વર્ષે કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ જણાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા એકાએક પલટા અને હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે જીરાનો ઉભો પાક સુકાવા લાગ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે જે ખેતર ગઈકાલે હરિયાળું દેખાતું હતું, ત્યાં આજે માત્ર સૂકા છોડ નજરે પડે છે.

ભેજવાળા વાતાવરણનો બેવડો માર

સામાન્ય રીતે જીરાના પાકને ઠંડુ અને સૂકું વાતાવરણ માફક આવે છે. પરંતુ, વાતાવરણમાં એકાએક ભેજનું પ્રમાણ વધતા જીરામાં 'સુકારો' નામનો રોગ લાગુ પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, માત્ર એક જ રાતમાં ખેતરોમાં ઉભો પાક સુકાઈને જમીનદોસ્ત થઈ ગયો છે. આ આફતને કારણે હજારો હેક્ટરમાં વવાયેલા જીરાનો સોથ નીકળી ગયો છે.

ખેડૂતોએ વિઘા દીઠ ₹7,000 નો કર્યો હતો ખર્ચ

ખેડૂતોએ અત્યંત મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને જીરાનું વાવેતર કર્યું હતું. સરેરાશ એક વિઘા દીઠ ખેડૂતોને ₹7,000 થી વધુનો ખર્ચ થયો છે. હવે જ્યારે પાક લણણીની તૈયારીમાં હતો, ત્યારે જ કુદરતી આફતે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે.

ખેડૂતોની વેદના

ગોવિંદભાઈ અને જયંતીભાઈ જેવા સ્થાનિક ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે દિવસ-રાત મહેનત કરીને લોહીનું પાણી કર્યું, દેવું કરીને દવા-બિયારણ લાવ્યા હતા. આશા હતી કે આ વર્ષે જીરાના સારા ભાવ મળશે અને ઘરનું ગુજરાન ચાલશે, પણ હવે તો રોકાણ પણ પાછું આવે તેમ નથી."

આ સમાચાર શેર કરો