VIDEO: રૂપાલા વિવાદ વચ્ચે ભાજપના કિરીટ પટેલે રાજા અને પટરાણી વિશે કર્યો બફાટ, મામલો ગરમાતા માંગી માફી
લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે તેવામાં અમુક રાજકીય આગેવાનો જાણે માત્ર મત માટે વિવાદાસ્પદ નિવેદનો ક

લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે તેવામાં અમુક રાજકીય આગેવાનો જાણે માત્ર મત માટે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય છે. જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું વિસાવદર ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન હતું, ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતાં મામલો ગરમાયો હતો.
એક તરફ ભાજપના જ નેતાઓ પરશોત્તમ રૂપાલાના કારણે થયેલા વિવાદને શાંત પાડવા મથામણ કરી રહ્યા છે. તેવામાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જ નેતાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનાં વિસાવદર ખાતેનાં કાર્યાલયનું ગત રોજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ધાટન કાર્યક્રમમાં સાંસદ અને ભાજપના વર્તમાન ઉમેદવાર રાજેશ ચુડાસમા સહિતના આગેવાનો હાજર હતા. આ તબક્કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કાર્યકરોને સંબોધતી વખતે જાહેર મંચ પરથી વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું.
રાજા-રજવાડાઓ વિશે પરશોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી અને તે મુદ્દે ક્ષત્રિયોમાં ભારે રોષ છે, ભાજપના અન્ય એક નેતાજીએ રાજા-રજવાડાઓ મામલે વાણીવિલાસ કર્યો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે થોડા સમય પહેલા જ ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ ફરીવાર ન બોલવાનું બોલતા રાજકીય માહોલ ગરમાયો છે.
જૂનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મામલે પ્રમુખ કિરીટ પટેલએ માફી માંગી છે. ગઈકાલે વિસાવદર ખાતે કિરીટ પટેલે વાણીવિલાસ કર્યો હતો, જેના પગલે મામલો બિચક્યો હતો. એક તરફ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે તેવામાં વધુ એક ભાજપના નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.








