Video: છોટાઉદેપુર-મધ્યપ્રદેશને જોડતા મુખ્ય માર્ગની હાલત કફોડી,અધિકારીઓની બેદરકારીથી બે રાજ્યોના વાહનચાલકો પરેશાન
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે સરહદી વિસ્તારના એક અત્યંત મહત્ત્
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે સરહદી વિસ્તારના એક અત્યંત મહત્ત્વના માર્ગની દયનીય હાલત સામે આવી છે. કવાંટથી રેણધા સુધીના લગભગ 10 કિલોમીટરના આ રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડ્યા છે, જે બે રાજ્યો – ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે. તેમ છતાં, સ્ટેટ આર એન્ડ બી વિભાગ (State R&B Department) ની ઘોર બેદરકારીને કારણે હજારો વાહનચાલકો દરરોજ હાલાકી ભોગવી રહ્યા છે.
આર એન્ડ બીના એન્જિનિયરે ઉચ્ચ અધિકારીઓના પરિપત્રને કચરાટોપલીમાં નાખ્યો!
આ માર્ગ કવાંટ, ગોજારીયા, નવાલજા, રેણધા સહિત 50 થી વધુ ગામોને અને મધ્યપ્રદેશને જોડતો મુખ્ય માર્ગ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ રસ્તો 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, જેની વોરંટી અવધિ ત્રણ વર્ષની હતી. વોરંટી પૂરી થયાને સાત વર્ષ વીતી ગયા છતાં માર્ગનું નવીનીકરણ કે મંજૂરી મળી નથી.
માર્ગની જર્જરિત હાલતને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ખાડા પૂરવા માટે સ્ટેટ આર એન્ડ બી વિભાગને પરિપત્ર કરવામાં આવ્યો હોવા છતાં, છોટાઉદેપુરના સ્ટેટ આર એન્ડ બી વિભાગના એજ્યુકેટીવ ઈજનેર દ્વારા આ પરિપત્રને જાણે કચરા ટોપલીમાં નાખી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પરિણામે, ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ સુધી રિપેર કરવામાં આવ્યા નથી.
વાહનચાલકોને ભારે નુકસાન
આ માર્ગ પરથી મોટી સંખ્યામાં બંને રાજ્યોના વાહનચાલકો પસાર થાય છે. રસ્તામાં મોટા ખાડા પડી જવાથી વાહનોને ભારે નુકસાન થાય છે. આ વિસ્તારના લોકો માટે બીજો કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી આ જ રસ્તેથી અવરજવર કરવી પડે છે.
વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે, જ્યારે મધ્યપ્રદેશના લોકો આ રસ્તો જુએ છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. સરહદી વિસ્તારના માર્ગો બનાવવામાં અને તેની જાળવણીમાં છોટાઉદેપુરનું સ્ટેટ આર એન્ડ બી વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે.
ઓફિસમાં બેસીને વહીવટ ચલાવતા અધિકારીઓ
સ્થાનિકોના મતે, સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ રસ્તાઓની મુલાકાત લેવાને બદલે માત્ર ઓફિસમાં બેસીને વહીવટ ચલાવી રહ્યા છે. તેની બેદરકારીના પરિણામે, આખા જિલ્લાના મુખ્ય રસ્તાઓ પણ ખાડાઓથી ભરાઈ ગયા છે. કવાંટ-રેણધા માર્ગની આ કફોડી હાલત એજ્યુકેટીવ ઈજનેરની નિષ્ફળતાનો વરવો નમૂનો છે.







