Video: અલથાણના સ્વિમિંગ પૂલમાં ક્લોરીન ગેસ લીકેજ, ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ કર્યું બંધ
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સી.બી. પટેલ કોલેજની સામે આવેલા
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સી.બી. પટેલ કોલેજની સામે આવેલા પાલિકાના સ્વિમિંગ પૂલમાં મંગળવારે સવારે ક્લોરીન ગેસ લીકેજ થતાં ભાગદોડ મચી ગઈ હતી. ક્લોરીનેશન માટે મંગાવવામાં આવેલા સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાના કારણે આ ઘટના બની હતી, જેને પગલે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડની ટીમે સંભાળ્યો મોરચો
બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસર કિર્તી મોઢ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સિલિન્ડરમાંથી વધુ પ્રમાણમાં ગેસ લીકેજ થઈ રહ્યો હોવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી. ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક સાથે અંદર પ્રવેશ કરીને ક્લોરીન ડાયલ્યૂટ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શરૂઆતમાં સિલિન્ડરને પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો હતો, પરંતુ સિલિન્ડરમાં આશરે 20 કિલો જેટલો વધુ ક્લોરીન હોવાથી તે ટાંકીમાં ડાયલૂટ થઈ શકે તેમ નહોતું.
ટેક્નિશ્યનની મદદથી લીકેજ બંધ
એક કલાકની જહેમત બાદ, ફાયરની ટીમે ક્લોરીન સપ્લાયર કંપનીને જાણ કરી ટેક્નિશ્યનને બોલાવ્યા હતા. ફાયરના જવાનો અને કંપનીના ટેક્નિશ્યને સંયુક્ત રીતે ઓક્સિજન માસ્કની મદદથી સિલિન્ડરમાંથી થતું ગેસ લીકેજ આખરે બંધ કર્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, આ ગેસ લીકેજ છેલ્લા બે દિવસથી થઈ રહ્યો હતો. સ્વિમિંગ પૂલના પાણીને શુદ્ધ કરવા અને વારંવાર બદલવું ન પડે તે માટે સમયાંતરે ચોક્કસ માત્રામાં ક્લોરીન ગેસ ભેળવવામાં આવે છે.








