Video/ 'આદિવાસીઓના પરસેવાથી ધબકે છે ગુજરાત!' – દાંતામાં આદિવાસી મહિલા પર અત્યાચાર મામલે વિપક્ષી નેતાઓ લડાયક મૂડમાં
અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા આદિવાસી મહિલાનું મકાન તોડી પાડવાની અ
અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા આદિવાસી મહિલાનું મકાન તોડી પાડવાની અને તેના પર અત્યાચાર ગુજારવાની ઘટનાએ હવે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાના વિરોધમાં અને ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવા માટે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ દાંતા SDM (પ્રાંત) કચેરી ખાતે ધરણા શરૂ કર્યા છે.
રક્ષક જ ભક્ષક બન્યા : ગેનીબેન ઠાકોર
ગેનીબેન ઠાકોર ધરણા કાર્યક્રમમાં પહોંચેલા સાંસદ ગેનીબેન ઠાકોરે વહીવટી તંત્ર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "રાજા-રજવાડાઓ બદલાયા પણ કોઈએ આદિવાસીઓના અધિકાર છીનવ્યા નથી. આજે સરકારના દબાણમાં પોલીસ રક્ષકને બદલે ભક્ષક બની રહી છે. જે મહિલાનું મકાન તોડાયું છે તેની ફરિયાદ લેવી જ પડશે. જો લોકશાહીમાં વહીવટી તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી જશે તો સ્થિતિ ગંભીર બનશે."
અંબાજી થી ઉમરગામ સુધી આંદોલન છેડાશે: જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્રમક તેવરમાં સરકારને ચેતવણી આપતા કહ્યું કે, "જ્યારે સરકાર કે આઈએસ-આઈપીએસ જેવા શબ્દો ન હતા, ત્યારથી જંગલ અને આદિવાસીઓ છે. આ સચિવાલય અને કલેક્ટર કચેરીઓના પાયામાં આદિવાસીઓનું લોહી-પરસેવો છે. જો પોલીસની ફરિયાદ લેવાતી હોય તો ધારાસભ્ય કાંતિભાઈ અને આદિવાસી સમાજની પણ 'પેરલલ' ફરિયાદ લેવી જ જોઈએ. જો ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો આખો પટ્ટો સળગશે."
મુખ્ય માંગણીઓ:
- પાડલીયા ગામે મહિલા પર અત્યાચાર ગુજારનાર ફોરેસ્ટ વિભાગ અને પોલીસ કર્મીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવે.
- આદિવાસી લોકોને તેમની જંગલ જમીનનો કબજો તાત્કાલિક સોંપવામાં આવે.
- જે ગેરકાયદેસર રીતે મકાનો તોડાયા છે તેમને વળતર અને ન્યાય મળે.
દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પોલીસ ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી આ ધરણા અને વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. હાલમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, પરંતુ લોકરોષને જોતા વાતાવરણ અત્યંત તંગ છે.







