Video/ Visnagar માં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે વેપારી પિતા-પુત્ર પર હોકી-ધોકાથી હુમલો, દુકાનમાં ઘૂસી મચાવ્યો આતંક
મહેસાણાના વિસનગરના વ્યસ્ત એવા ત્રણ ટાવર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્


મહેસાણાના વિસનગરના વ્યસ્ત એવા ત્રણ ટાવર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી ઘટના બની છે. માત્ર બાઇક પાર્કિંગ હટાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારી પિતા-પુત્ર પર લાકડાના ધોકા અને હોકી સ્ટીક વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
શું હતી ઘટના?
વિસનગરના ત્રણ ટાવર પાસે 'ન્યૂ ખોડિયાર સિલેક્શન' નામની કપડાની દુકાન ધરાવતા હસમુખભાઈ પટેલે તેમની દુકાન આગળ પાર્ક કરેલું એક બાઇક હટાવવાનું કહ્યું હતું. દુકાન આગળ પાર્કિંગ નડતું હોવાથી તેને દૂર કરવાનું કહેતા જ વાત વણસી હતી. બાઇક હટાવવાની સામાન્ય સૂચનાની અદાવત રાખીને આરોપીઓ હુમલા પર ઉતરી આવ્યા હતા.
દુકાનમાં ઘૂસીને આચર્યો હુમલો
આરોપી રોહન ઠાકોર અને તેના અન્ય ચાર સાગરીતો લાકડાના ધોકા અને હોકી સ્ટીક જેવા હથિયારો સાથે દુકાનમાં ધસી આવ્યા હતા. તેમણે વેપારી હસમુખભાઈ પટેલ અને તેમના પુત્ર નીલ પટેલ પર આડેધડ પ્રહારો કરવાનું શરૂ કર્યું હતું. જાહેરમાં વેપારીઓ પર થયેલા આ હુમલાને પગલે બજારમાં અફડાતફડી મચી ગઈ હતી.
પોલીસ કાર્યવાહી
હુમલામાં ઘાયલ થયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર હસમુખભાઈએ જણાવ્યું હતું કે, માત્ર બાઇક લેવાનું કહેતા જ આ લોકોએ જાનલેવા હુમલો કર્યો છે. આ અંગે વિસનગર પોલીસ સ્ટેશનમાં પાંચેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.








