Video/ Vadodaraમાં વેપારીએ લખાવી 10 લાખની લૂંટ, પોલીસે લૂંટારુઓ પાસેથી ₹2.71 કરોડ ઝડપ્યા!
વડોદરાના વારશિયા વિસ્તારના એક વૃદ્ધ વેપારી સાથે થયેલી લૂંટના કેસમાં હવે નવી જ
વડોદરાના વારશિયા વિસ્તારના એક વૃદ્ધ વેપારી સાથે થયેલી લૂંટના કેસમાં હવે નવી જ ચર્ચા જાગી છે. વેપારીએ પોતાની ફરિયાદમાં માત્ર 10 લાખ રૂપિયા લૂંટાયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે લૂંટારુ ગેંગને દબોચી ત્યારે તેમની પાસેથી 2.71 કરોડ રૂપિયાની માતબર રકમ અને 20 દેશોનું વિદેશી ચલણ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
શું હતી ઘટના?
શુક્રવારે રાત્રે કારેલીબાગ રોડ પર ગિફ્ટ શોપ ધરાવતા વેપારી લીલારામ લાડકમલ રેવાની પોતાની દુકાન વધારીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઘર નજીક જ લૂંટારુઓએ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી વિદેશી ચલણ અને રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં 7 આરોપીઓને દબોચ્યા
CCTV ફૂટેજ અને ટેકનિકલ ઈનપુટના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી 7 આરોપીઓની ધરપકડ કરી છે. સના વાઘેલા (ટીપ આપનાર), આકાશ દેવીપૂજક, રવિ ઠાકોર, અતુલ દેવીપૂજક, હિરેન વસાવા, રાહુલ મારવાડી અને અનિલ પરમાર ની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સના વાઘેલાએ વેપારીનો દુકાનથી ઘર સુધી પીછો કરી લૂંટની ટીપ આપી હતી.
વેપારીની ભૂમિકા શંકાના દાયરામાં
વેપારી લીલારામે લૂંટની રકમ આટલી ઓછી કેમ બતાવી તે હવે તપાસનો વિષય બન્યો છે. વેપારી પાસે અગાઉ ફોરેન કરન્સી ટ્રેડિંગનું લાયસન્સ હતું અને અગાઉ પણ પોલીસ કાર્યવાહી થઈ ચૂકી છે. શું વેપારી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે?
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ડીસીબી હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી ભારતીય અને વિદેશી ચલણ કબજે લેવામાં આવ્યું છે અને રકમના તફાવત બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.







