મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ થાનમાં ભાજપ કાર્યકરે પોલીસ પર ઉપાડ્યો હતો હાથ, ઘટના બોડી વોર્ન કેમેરામાં કેદ છતાં કાર્યવાહી કેમ નહીં?

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ એસ.પી. પ્રેમસુખ ડેલું દ્વારા 'લુખ્ખાઓ અને આવારા તત્વોથી ડરવાની જરૂ

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ એસ.પી. પ્રેમસુખ ડેલું દ્વારા 'લુખ્ખાઓ અને આવારા તત્વોથી ડરવાની જરૂર નથી' તેવા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરના થાનમાં ખાખીનો ખોફ જ ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભાજપના કાર્યકરે ફરજ પરના પોલીસકર્મી પર હાથ ઉપાડ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, થાનમાં બાઇક ખસેડવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ સર્જાઈ હતી. આ દરમિયાન મંગળુ ભગત નામના ભાજપના કાર્યકરે ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મી સાથે ઘર્ષણ કર્યું હતું અને તેમના પર હાથ ઉપાડી લીધો હતો. આ સમગ્ર ઘટના પોલીસના બોડી વોર્ન કેમેરામાં પણ કેદ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

કાર્યવાહીને બદલે સમાધાનનો માર્ગ?

પોલીસ પર હુમલો થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભાજપ કાર્યકરને પોલીસ સ્ટેશન લઈ જવામાં પણ આવ્યો હતો, પરંતુ રાજકીય દબાણ અથવા નેતાઓનો ડર પોલીસમાં સ્પષ્ટ દેખાયો હતો. ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો વચ્ચે દરમિયાનગીરી બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. ગંભીર વાત એ છે કે, પુરાવા હોવા છતાં ભાજપનો નેતા હોવાથી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.

અગાઉ પણ ઘર્ષણ કરી ચૂક્યો છે આ કાર્યકર

આ પહેલીવાર નથી જ્યારે મંગળુ ભગત નામના આ કાર્યકરે પોલીસ સાથે વિવાદ કર્યો હોય. અગાઉ પણ તે DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘર્ષણ કરી ચૂક્યો છે. વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરવા છતાં રાજકીય પીઠબળને કારણે તેની સામે કોઈ કડક પગલાં લેવાતા નથી, જે પોલીસના મનોબળ પર સવાલો ઉભા કરે છે.

આ સમાચાર શેર કરો