Video: કમોસમી વરસાદના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, Amreli માં પહેલી વિકેટ ડૂલ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સહા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમરેલી જિલ્લા ભાજપમાં મોટો આંતરિક ભડકો થયો છે. સરકારના આ સહાય પેકેજથી નારાજ થઈને જિલ્લા ભાજપની પહેલી વિકેટ પડી છે.
સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી, સાવરકુંડલા APMCના ડાયરેક્ટર અને ખડસલી સરપંચ પ્રતિનિધિ ચેતન માલાણીએ ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના ધોરણે પોતાના પદ પરથી અને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે.
'ખેડૂતોની મશ્કરી સમાન સહાય પેકેજ'
ચેતન માલાણીએ પોતાનું રાજીનામું લેખિતમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને મોકલી આપ્યું છે. રાજીનામા પત્રમાં તેમણે સરકારના આ સહાય પેકેજ પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સહાય પેકેજને "ખેડૂતોની મશ્કરી સમાન" ગણાવ્યું છે.
સાથે તેમણે પત્રમાં વ્હાલા-દવલાની નીતિ અને 2024 ની અતિવૃષ્ટિ માં થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ ન થવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે.
નૈતિકતાના ધોરણે રાજીનામું:
ખેડૂત પુત્ર હોવાને નાતે ખેડૂતોને અન્યાય થતો જોઈને તેમણે પક્ષમાં રહેવું યોગ્ય ન ગણતા નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે.
ચેતન માલાણી જેવા સક્રિય નેતા, જેઓ APMCમાં ડાયરેક્ટર અને પૂર્વ મહામંત્રી જેવા પદો પર હતા, તેમણે ખેડૂતલક્ષી મુદ્દે રાજીનામું આપતાં અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
અસંતોષ સંગઠન સુધી પહોંચ્યો
સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત થતાં જ અમરેલી જિલ્લાના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો, અને હવે આ અસંતોષ સંગઠન સુધી પહોંચ્યો છે. સાવરકુંડલા તાલુકામાંથી ભાજપની આ પહેલી વિકેટ ડૂલ થતાં અન્ય ખેડૂત નેતાઓ પર પણ દબાણ વધ્યું છે.
આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે કમોસમી વરસાદના નુકસાનની ભરપાઈ માટેનું પેકેજ પક્ષના જ કેટલાક નેતાઓ માટે સંતોષજનક નથી, અને તેનાથી ખેડૂતોમાં વધતી નારાજગી હવે રાજકીય પડઘા પાડી રહી છે.







