મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજશાહી વખતની 147 વર્ષ જૂની પરંપરા, નવદુર્ગા ગરબી મંડળમાં બાળાઓના પ્રાચીન ગરબાએ જમાવ્યું આકર્ષણ

સમગ્ર ગુજરાતમાં જગત જનની માં જગદંબાની નવલી નવરાત્રીના પર્વની ભવ્ય ઉજ

સમગ્ર ગુજરાતમાં જગત જનની માં જગદંબાની નવલી નવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના યાત્રાધામ વીરપુર ખાતે ટાવર ચોકમાં આવેલ રાજશાહી યુગની નવદુર્ગા ગરબી મંડળ દ્વારા તેની 147 વર્ષની ગૌરવશાળી પરંપરાને જીવંત રાખવામાં આવી છે. આ વર્ષે પણ આ ગરબી મંડળની બાળાઓ દ્વારા માત્ર પ્રાચીન ગરબા રજૂ કરીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે, જેને જોવા માટે આસપાસના ગામલોકો પણ ઉમટી પડે છે અને ધન્યતા અનુભવે છે.

નવદુર્ગા ગરબી મંડળની સ્થાપના રાજશાહી વખતે 147 વર્ષ પહેલાં થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી આ મંડળે પોતાની મૂળભૂત ઓળખ અને પ્રાચીન શૈલીને જાળવી રાખી છે. અહીં આધુનિક ગરબા કે ફિલ્મી ગીતોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. માત્ર પારંપરિક ઢબના, માતાજીના ગુણગાન ગાતા અને ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા જ રજૂ થાય છે.

બાળાઓ અને કિશોરીઓ ઉત્સાહભેર રાસ-ગરબાના તાલે ઝૂમી ઊઠે છે. તેમના મનમોહક અને લયબદ્ધ પ્રાચીન ગરબા જોઈને જાણે ભક્તોને સાક્ષાત માતાજીના આશીર્વાદ મળી રહ્યા હોય તેવો અનુભવ થાય છે. આ પ્રાચીન ગરબાને નિહાળવા માટે ગામના વડીલો, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો દરરોજ રાત્રે ટાવર ચોકમાં હાજરી આપે છે. વીરપુરના આ પ્રાચીન ગરબી મંડળે માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ અને પૌરાણિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નગરજનો આ મંડળની 147 વર્ષની અવિરત સેવાને બિરદાવી રહ્યા છે અને આવનારી પેઢી માટે પણ આ પ્રાચીન પરંપરા અખંડ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો