Video/ 24 કલાક, 1500 કેમેરા અને 150 પોલીસ જવાનો... આ રીતે ઉકેલાયો બાળકીના અપહરણનો ભેદ
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાંથી માત્ર ચાર માસની ફૂલ જેવી બાળકીના અપહરણની ઘટનાએ


સુરત શહેરના નાનપુરા વિસ્તારમાંથી માત્ર ચાર માસની ફૂલ જેવી બાળકીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. જોકે, સુરતની અઠવા પોલીસ અને બારડોલી રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અપહરણકાર દંપતીને ઝડપી પાડ્યું છે અને બાળકીને સલામત રીતે તેના માતા-પિતાને સોંપી દીધી છે.
1500 CCTV અને 150 જવાનોની મહેનત લાવી રંગ
અપહરણની ગંભીરતાને જોતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. આ ઓપરેશનમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સચોટ ઉપયોગ કર્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોના અંદાજે 1500 જેટલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા. બાળકીને શોધવા માટે 150 જેટલા પોલીસ જવાનો રાત-દિવસ એક કરીને કામે લાગ્યા હતા.
બારડોલીથી દંપતીની ધરપકડ
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા નંદુરબારના મૂળ વતની અને હાલ બારડોલી સુગર ફેક્ટરી સામે ફૂટપાથ પર રહેતા સુનિલ રતિલાલ વસાવા અને તેની પત્ની મીના સુનિલ વસાવાની ધરપકડ કરી છે. આ દંપતીએ કયા ઈરાદાથી માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું તે હજુ રહસ્ય છે, જે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ
પોલીસે આરોપીઓના ચુંગાલમાંથી બાળકીને મુક્ત કરાવી જ્યારે તેના માતા-પિતાને સોંપી, ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. માત્ર 24 કલાકમાં જ કેસ ઉકેલી નાખવા બદલ સુરત પોલીસની કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે.






