વેરાવળની શાળામાં શિક્ષિકાએ ધોરણ-6ની વિદ્યાર્થિનીને એવી સજા આપી કે હોસ્પિટલમાં દાખલ કરવી પડી
ગીર-સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળમાં એક ખાનગી શાળાની શિક્ષિકાએ 11 વર

ગીર-સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળમાં એક ખાનગી શાળાની શિક્ષિકાએ 11 વર્ષની વિદ્યાર્થિનીને એવી સજા આપી કે આ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.
એક કલાક સુધી અંગુઠા પકડાવતા બાળકીની તબિયત લથડી
વેરાવળની અનેક વખત વિવાદમાં આવેલી ખાનગી શાળા ન્યુ દર્શન પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષીય સૌમ્યા ઓઝા નામની વિદ્યાર્થિની સાથે શિક્ષિકાએ અમાનવીય વર્તન કર્યું હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. શિક્ષિકાએ આ વિદ્યાર્થિનીને એક કલાક સુધી અંગુઠા પકડાવી રાખતા બાળકીની તબિયત લથડી હતી, જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
શિક્ષિકાએ દાઝ રાખીને બાળકીને આ સજા કરી - વાલી
ભોગ બનનાર બાળકીના પિતાએ આક્ષેપ કર્યા છે કે તેની પુત્રીની ફી ભરાઈ ગયેલી હોવા છતાં ફી ભરવાની બાકી હોવાનું કહી બાળકીને પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી. આ બાબતે પિતાએ શાળાએ આવીને બોલાચાલી કરી હતી. જેની દાઝ રાખીને શિક્ષિકાએ બાળકીને આ સજા કરી હતી.
હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બાળકીના પિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ ફરિયાદ કરી હતી.
શું કહ્યું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.હડીયાએ શાળામાં જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા બાળકી પરીક્ષામાં આવી ન હતી, જેથી અધિકારીઓ તેમના ઘરે ગયા હતા અને અન્ય શાળામાં તેની પરીક્ષા આપવાની વ્યવસ્થા કરી હતી. તો બાળકીને તાવ આવતો હોવાનું પણ શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું અને બાળકીને શાળામાં અંગૂઠા પકડાવ્યાની સજા કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. આ બાબતે શિક્ષણ વિભાગ સાથે પોલીસ પણ તપાસ કરી રહી છે.
શાળા સંચાલકે આપ્યું આ નિવેદન
ન્યુ દર્શન પ્રાથમિક શાળાના સંચાલક ભુપેન્દ્ર વિઠ્ઠલાણીએ એવું જણાવ્યું છે કે આ સૌમ્યા ઓઝા નામની બાળા સ્કૂલની અંદર અન્ય બાળાઓને વાતો કરાવતી હતી, ચિઠ્ઠીઓ લખતી હતી અને જેમાં નાની બાળકીને યોગ્ય ના લાગે તેવા શબ્દો લખતી હતી. આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવી અને ઠપકો આપતા આ આખી ઘટના ખોટી રીતે ઉભી કરાઈ છે, આ બનાવમાં બાળકીના હિતની વાત છે.
સવાલ એ થાય છે શિક્ષણ વિભાગ કહે છે બાળકીને અંગૂઠા પકડવાની સજા કરાઈ છે, ત્યારે શાળા સંચાલક કહે છે તેને બહાર કાઢી મુકાઈ હતી. આખી ઘટનામાં સત્ય શું છે તે શોધવા માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તપાસ કરી રહ્યાં છે. તપાસને અંતે જ સત્ય બહાર આવી શકશે.








