તમારા વાહનની નંબર પ્લેટ તૂટી ગઈ છે? જાણો, વડોદરા RTO મુજબ હવે શું કરવું?
વાહન ચાલકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન માટે વડોદરા પ્રાદેશિક પરિવહન કચે
વાહન ચાલકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન માટે વડોદરા પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) એક્શન મોડમાં આવી ગઈ છે. RTO દ્વારા વાહનની નંબર પ્લેટ ખોવાઈ જાય, તૂટી જાય કે ક્ષતિગ્રસ્ત થાય તેવા કિસ્સામાં વાહન માલિકોએ શું કરવું તેની સ્પષ્ટ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. RTO એ સ્પષ્ટતા કરી છે કે HSRP (High Security Registration Plate) નંબર પ્લેટ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમો મુજબ ફરજિયાત છે.
RTOની સ્પષ્ટ માર્ગદર્શિકા
વડોદરા RTO દ્વારા વાહન માલિકોને તૂટેલી કે ખોવાયેલી નંબર પ્લેટ બદલવા માટે નીચે મુજબની પ્રક્રિયા અનુસરવા જણાવાયું છે:
- જો વાહનની નંબર પ્લેટ ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો સૌથી પહેલાં વાહન માલિકે પોલીસ ફરિયાદ (FIR) મેળવવી પડશે.
- પોલીસ FIR મેળવ્યા બાદ, વાહન ચાલકે ઓનલાઈન પોર્ટલ પર જઈને નવી નંબર પ્લેટ (HSRP) માટે અરજી કરવી પડશે.
નિયમનો ભંગ કરનાર સામે કરાશે કાર્યવાહી
વડોદરા RTO એ ચેતવણી આપી છે કે HSRP નંબર પ્લેટ ફરજિયાત હોવાથી, જો કોઈ વાહન માલિક તૂટેલી, ખોવાયેલી કે પછી ક્ષતિગ્રસ્ત નંબર પ્લેટ સાથે વાહન હંકરતો જોવા મળશે, તો RTO દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં દંડ અથવા અન્ય નિયમ ભંગના પગલાંનો સમાવેશ થઈ શકે છે.
સમગ્ર મામલે વડોદરા RTO દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જેનો હેતુ વાહન વ્યવહારમાં સુરક્ષા અને નિયમોનું પાલન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.








