મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘હિન્દુઓની જનસંખ્યા ઘટાડવા માટેનું ષડયંત્ર’, મહેસાણા નસબંધી કાંડ મામલે વિશ્વ હિન્દુ પરિષદ

મહેસાણા નસબંધી કાંડ: નવી શેઢાવી ગામના 31 વર્ષની વયના અપરિણીત શ્રમજીવી

‘હિન્દુઓની જનસંખ્યા ઘટાડવા માટેનું ષડયંત્ર’, મહેસાણા નસબંધી કાંડ મામલે વિશ્વ હિન્દુ પરિષદ

મહેસાણા નસબંધી કાંડ: નવી શેઢાવી ગામના 31 વર્ષની વયના અપરિણીત શ્રમજીવી યુવક ગોવિંદ દંતાણીને મજૂરીકામે લઇ જવાનું કહી દારુ પીવડાવી નસબંધી કરી દીધી હતી. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીને તમામ પાસાએથી તપાસ કરાવી જોટાણા તાલુકાના સૂરજ પીએચસીના ધનાલી કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને કસૂરવાન ઠરાવી કારણદર્શક નોટિસ ફટકારી ફરજ મોકૂફી સાથે તેને ખેરાલુ આરોગ્ય કેન્દ્ર ખાતે ફંગોળી દીધો હતો.

જો કે હવે આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. મહેસાણા આરોગ્ય નસબંધી કાંડ મામલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દિનેશભાઇ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે, “વિધર્મી હેલ્થ વર્કર દ્વારા હિન્દુ બંધુઓને ઈરાદાપૂર્વક નસબંધી કરાવી છે. હિન્દુઓની જનસંખ્યા ઘટાડવા માટેનું ષડ્યંત્ર છે. અત્યાર સુધીમા 4 હિન્દુબંધુઓને નસબંધી કરી કરાવી છે, અન્ય કેટલા યુવકોની નસબંધી કરી તેની માહિતી જિલ્લા આરોગ્ય આપે. સમગ્ર કેસની તપાસ કરી બંને વિધર્મી હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવે. નસબંધી કરતા પહેલા પરિવાર કે પત્નીની લેવાની પરવાનગી હોય છે. આખા ગુજરાતમાં સરકાર દ્વારા આવા વિધર્મી હેલ્થ વર્કરો દ્વારા કેટલા હિન્દૂ બંધુઓની નસબંધી કરાઈ છે તેની તપાસ કરવામાં આવે. વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે કે તાત્કાલિક આંકડાકીય માહિતી સામે લાવે.”

આરોગ્ય કર્મીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો દાવો

ધનાલીના આરોગ્ય કર્મીએ આ ઘટનાને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. ધનાલી સબ સેન્ટરના કર્મચારીઓને અન્ય કર્મીએ ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. નવી શેઢાવીના આરોગ્ય કર્મી ઝહીર સોલંકીએ સમગ્ર પ્રકરણમાં ભાગ ભજવ્યો છે અને આ વ્યક્તિને હું જાણતો નથી અને તે મારા વિસ્તારનો પણ નથી.

યુવકનું સમગ્ર કાઉન્સેલિંગ નવી શેઢાવીના આરોગ્યકર્મી ઝહીર સોલંકીએ કર્યું હતું. ધનાલીના આરોગ્ય કર્મીને ઝહીર સોલંકીએ અડાલજ હોસ્પિટલ જ બોલાવી લીધા હતા. કુટુંબ નિયોજનના ટાર્ગેટ પૂરો કરવાની લાલચમાં  ધનાલીના આરોગ્ય કર્મીને ફસાવવામાં આવ્યો હોવાનું રટણ કર્યું હતું. ઝહીર સોલંકી જ યુવકને ગાડીમાં અડાલજ CHC લઈ ગયો હતો. 

હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી - આરોગ્ય અધિકારી

મહેસાણા જિલ્લામાં નસબંધી કાંડ મામલે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “તમામ 28 નસબંધી ઓપરેશનની તપાસ થશે. 29 નવેમ્બર અને 4 ડિસેમ્બરના દિવસે નસબંધીના 28 ઓપરેશન થયા હતા. 28 નસબંધીના તમામ કેસની તપાસ કરાશે. નવી સેઢાવી આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધનાલી બાદ નવી સેઢાવીના હેલ્થ વર્કરને પણ સસ્પેન્ડ કરાયા છે. હેલ્થ કર્મચારીઓએ આવું કૃત્ય કરીને સરકારની છાપ બગાડી છે. મે કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી. તાલુકા હેલ્થ અધિકારી અને મેડિકલ ઓફિસરોને સમગ્ર મામલે નોટિસો અપાઈ છે. કુલ 8 આરોગ્ય ઓફિસરો અને કર્મચારીઓને કારણદર્શક નોટિસો ફટકારી છે. ગરીબ,અભણ અને દારૂની લતવાળા યુવાનોને જ ટાર્ગેટ કરાયા હોવાનું જણાય છે. આ તમામ બાબતે આરોગ્ય વિભાગ તપાસ કરશે.”

અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં કરાયું નસબંધીનું ઓપરેશન 

મહેસાણા જિલ્લા આસિસ્ટન્ટ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસરે જણાવ્યું કે આ યુવકને સૂરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થવર્કર સેહજાદ અજમેરી લઈ ગયા હતા. યુવકને અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉપરી અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.

મહેસાણામાં નસબંધી મામલે ભોગ બનતા બચી ગયેલ અને ભોગ બનેલા એમ બે વ્યક્તિઓ સામે આવ્યા છે. ભોગ બનતા બચી જનાર આધેડે કહ્યું કે, અગાઉ બીમાર રહેતો હતો. ગામમાં સાહેબ આવ્યા તો એમણે કહ્યું કે તમારે બ્લડ ટેસ્ટ કરાવવા પડશે. મહેસાણાના જમનાપુર ગામમાં લોહીના લેબોરેટરી રિપોર્ટ કરાવવાના હોવાનું કહી આધેડને એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. તેમને  રૂપિયા 2 હજાર આપવાની લાલચ પણ આપવામા આવી હતી. જે બાદ તેમને આશંકા જતા ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ આધેડે ધમકી આપતાં તેમને જવા દીધા હતા.

આધેડે ધમકી આપી તો બચી ગયા 

જ્યારે બીજા પરણિત યુવાનને જામફળની વાડીમાં કામ કરવાનું કહીને લઈ જવામા આવ્યો હતો. એ પછીથી તેઓને એમ્બ્યુલન્સમાં અડાલજ ચોકડી લઈ ગયા હતા અને લોહીનું સેમ્પલ લીધું હતું. અને પરણિત યુવકનું લોહી લીધા બાદ નસબંધીનું ઓપરેશન કરી નાખ્યું હતું. ઓપરેશન થયા બાદ યુવાનને 2 હજાર રૂપિયા આપ્યા હતા. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ

નવી શેઢાવી નસબંધીકાંડ વિવાદમાં જિલ્લામાં કેટલા આવા નસબંધીના ઓપરેશન થયા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લા આરોગ્યની ટીમ જમાનપુર પહોંચી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયા અને ટીમ જમાનપુર પહોંચી હતી અને અન્ય ગામમાં પણ નસબંધીના કેટલા ઓપરેશન થયા તેના વિશે માહિતી મેળવવામાં આવશે.

ટાર્ગેટ પુરો કરવા નિર્દોષ પુરુષોનો ભોગ? 

જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષોની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. ટાર્ગેટ પુરો કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા આવી રીતે છેતરીને ઓપરેશન કરી દેવામાં આવે છે એ ખુબ ગંભીર બાબત છે. આ મામલે યોગ્ય તપાસ થાય તો આવા અન્ય પુરુષોની વિગતો પણ સામે આવી શકે છે.

નસબંધી કાંડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

બીજી તરફ નસબંધી કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 

આ સમાચાર શેર કરો