Video/ Vadodara ની સ્કૂલમાં ચાલુ ક્લાસમાં મસ્તી બાળકોને ભારે પડી, વિદ્યાર્થીને આંખમાં પેન વાગતાં ગંભીર ઈજા; CCTV વાયરલ
વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલી જી.ઈ.બી. સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ધોરણ 9ના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હર્ષ રાઠોડ ચાલુ ક્લાસરૂમમાં જ આંખના ભાગે પેન વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
ક્લાસરૂમની મસ્તી ભારે પડી
પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓના ચોપડા ચેક કરી રહ્યા હતા ત્યારે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા. આગળની હરોળમાં બેઠેલા એક વિદ્યાર્થીએ અચાનક બોલપેન ઉછાળી હતી. સંજોગોવસાત, આ પેન પાછળની બેન્ચ પર બેઠેલા હર્ષ રાઠોડને સીધી આંખના ભાગે વાગી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત હર્ષ રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પિતાએ ફરિયાદ ન કરવાનું કહ્યું, પણ સ્કૂલ પર સવાલ ઉઠાવ્યા
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા શૈલેષ રાઠોડે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. વિદ્યાર્થીના પિતા શૈલેષ રાઠોડએ આ મામલે જણાવ્યું હતું કે, "મારે કોઈ ફરિયાદ કરવી નથી. તે વિદ્યાર્થી પણ મારા બાળક જેવો જ છે. જોકે, સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી એ હતી કે તેમણે હર્ષને તાત્કાલિક પ્રાથમિક સારવાર ન આપી અને અમને બોલાવ્યા. અમારા પહોંચતા પહેલા તેને સારવાર આપવાની જરૂર હતી." પિતાએ એ પણ જણાવ્યું હતું કે સ્કૂલ પ્રશાસન દ્વારા સારવાર માટેનો કોઈ ખર્ચો આપવામાં આવ્યો નથી.
આચાર્યએ ગંભીરતા સ્વીકારી
બીજી તરફ, જી.ઈ.બી. સ્કૂલના આચાર્ય ભાગ્યેશ ઠક્કરે આ ઘટનાની ગંભીરતા સ્વીકારી છે. તેમને જણાવ્યું હતું કે, "મામલો ગંભીર છે. અમે હવે બાળકોને સ્કૂલમાં મસ્તી ન કરવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યા છીએ."

