Vadodara News: ગ્રીન નેટ નહીં લગાવનાર બાંધકામ સાઈટોને નોટિસ અપાઈ, 28.25 લાખનો દંડ ફટકાર્યો
વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં આવ્યા છે. તેમની કામગીરી હેઠળ બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ નહીં લગાવનાર બાંધકામ સાઈટોને બેદરકારી બદલ નોટિસ આપવામાં આવી છે. સાથે 28.25 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
127 નિર્માણાધીન બાંધકામ પર ચકાસણી કરી
શહેરમાં હવાની ગુણવત્તા બગડતા પાલિકા કમિશનરે કડક પગલાં લેવા સૂચના આપી દીધી છે. જેને લઇને શહેરમાં પહેલી વખત નિર્માણાધીન સાઈટ પર ઊડતી ધૂળને રોકવા માટે લીલી જાળી લગાવવા સૂચન કર્યું છે. દરમિયાન તંત્ર દ્વારા 127 નિર્માણાધીન બાંધકામ પર ચકાસણી કરી ગ્રીન નેટ નહીં લગાવનારને 28.25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કમિશ્નરે લીધા કડક પગલાં
નવી બાંધકામ સાઈટ પર હવા અને ધૂળને રોકી શકે તે માટે ગ્રીન નેટ ફરજિયાત લગાવવા સૂચના અપાઈ છે. પરંતુ બિલ્ડરો આ વાતનો અમલ કરવામાં પાછા પાણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની આ કરતૂત કમિશ્નરના ધ્યાનમાં આવી છે અને તેમણે કડક પગલાં લીધા છે, તદુપરાંત કચરો અથવા કાટમાળ લઈ જતી ટ્રક પર તાડપત્રી લગાવવા, રોડની કામગીરી વેળાએ ધૂળ ન ઊડે તે બાબતનું ધ્યાન રાખવા પણ સૂચના આપી છે.
ધૂળ ન ઊડે તે માટે તપાસ થઈ
જણાવી દઈએ કે, વડોદરા શહેરમાં 141 બાંધકામ સાઈટ ચાલી રહી છે, જેમાં પાલિકાની વિવિધ ટીમોએ ધૂળ ન ઊડે તે માટે 127 સ્થળોએ ચકાસણી અને તપાસ કરી ગ્રીન નેટ નહીં લગાવી પોલમ પોલ કરનારને 28.25 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.

