છોટા ઉદેપુરની રોજકુવા ડેરીમાં બોનસ મુદ્દે વિવાદ વકર્યો, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી

છોટા ઉદેપુરની રોજકુવા ડેરીમાં બોનસ મુદ્દે વિવાદ વકર્યો, રોષે ભરાયેલા ગ્રામજનોએ તાળાબંધી કરી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

છોટા ઉદેપુર જિલ્લાના રોજકુવા ગામે આવેલી દૂધ ડેરીમાં બોનસની વહેંચણીને લઈને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને અપેક્ષા કરતાં માત્ર 7 ટકા જેટલું ઓછું બોનસ આપવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદ માત્ર બોનસ પૂરતો સીમિત નથી, પરંતુ ડેરીના સંચાલકોની મનમાની અને પરિવારવાદ સામે પણ ગ્રામજનોએ મોરચો ખોલી દીધો છે.

આસપાસના ગામોની સરખામણીમાં ઓછું બોનસનો આક્ષેપ

જાહેરાત

ગ્રામજનોના જણાવ્યા મુજબ, દિવાળીના પાંચ દિવસ અગાઉ બોનસ ચૂકવવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે બોનસના વિતરણમાં ભારે વિલંબ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આસપાસનાં ગામોની દૂધ ડેરીઓમાં જ્યાં 15 ટકાથી વધુ બોનસ આપવામાં આવ્યું છે, ત્યાં રોજકુવા ડેરીમાં માત્ર 7 ટકા જ બોનસ જાહેર કરાતા પશુપાલકો ઠગાઈ થઈ હોવાનું અનુભવી રહ્યા છે. ડેરીના સંચાલકોએ દૂધ ઉત્પાદકોની કોઈ પણ પ્રકારની બેઠક કે પરામર્શ કર્યા વગર જ એકતરફી બોનસનું વિતરણ કરી દીધાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

પરિવારવાદ સામે આક્રોશ અને ડેરીને તાળાબંધી

રોજકુવા ગામના પશુપાલકોનો આક્ષેપ છે કે ડેરીના વહીવટ પર એક જ પરિવારના સભ્યોનું વર્ચસ્વ છે અને તેઓ મનમાની ચલાવી રહ્યા છે. આ અસંતોષને કારણે રોષે ભરાયેલા ગ્રામજનો અને પશુપાલકોએ એકઠા થઈને ડેરી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ડેરીને તાળાબંધી કરી દીધી હતી. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે ડેરીનો વહીવટ સંભાળતા આ પરિવારને હટાવીને નવા પ્રમુખ, મંત્રી અને પારદર્શક વહીવટી સમિતિની નિમણૂક કરવામાં આવે, તેમજ બોનસની રકમ અંગે સ્પષ્ટતા કરવામાં આવે.

તહેવારોની સિઝનમાં જ દૂધ ઉત્પાદકોને ન્યાય ન મળતા શરૂ થયેલો આ વિવાદ હવે સ્થાનિક સહકારી ક્ષેત્રે ગરમાવો લાવી દીધો છે, ત્યારે આગામી સમયમાં સંચાલકો દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત