દિવાળી ટાણે જ અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડાં: મીઠાઈ-ફરસાણના ૨૭ નમૂના ફેલ, ૧૯ એકમો સીલ!

દિવાળી ટાણે જ અમદાવાદીઓના આરોગ્ય સાથે ચેડાં: મીઠાઈ-ફરસાણના ૨૭ નમૂના ફેલ, ૧૯ એકમો સીલ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોના વેચાણમાં વધારો થયો છે. ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. 1 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસમાં 27 ખાદ્ય નમૂના અપ્રમાણિત જાહેર થયા છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરતા 19 એકમોને સીલ અથવા બંધ કરાવવામાં આવ્યા છે.

841 નમૂનાની તપાસમાં 27 ફેલ

AMCના ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 841 ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરી તપાસ માટે લીધા હતા. જેમાં 177 મીઠાઈ, 80 ફાફડા-જલેબી, 85 નમકીન-ફરસાણ અને 74 દૂધ તથા દૂધની બનાવટોના નમૂનાનો સમાવેશ થાય છે. તપાસમાં 27 નમૂના સબસ્ટાન્ડર્ડ અથવા આરોગ્ય માટે અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન દરિયાપુરની ગુજરાત ડેરીનું છૂટું ઘી, વસ્ત્રાલની વિજય ડેરીનું ઘી, સરખેજના ઓમ ફૂડ સેન્ટરનું બટર અને શ્યામલ ક્રોસ રોડની શ્રી ગણેશ સેન્ડવીચના સોસ તથા બટરના નમૂના અપ્રમાણિત મળ્યા હતા. ગોતાની આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગના ફ્રૂટ ક્રશ અને સ્ટાર્ચ પાવડરને આરોગ્ય માટે જોખમી જાહેર કરવામાં આવ્યા હતા. નિકોલના મહાદેવ ફૂડ કોર્ટના કેટલાક એકમોમાંથી લેવાયેલા બટર અને પનીરના નમૂના પણ નિર્ધારિત ગુણવત્તાના ન હોવાનું સામે આવ્યું હતું.

જાહેરાત

ડુપ્લિકેટ વરખ અને ગંદકી બદલ એકમો સીલ

ફૂડ વિભાગે તપાસ દરમિયાન કુલ 19 એકમો સામે સીલિંગ અથવા બંધ કરવાની કાર્યવાહી કરી હતી. કાલુપુરના એચ.એમ. વરખવાલામાંથી નકલી વરખ મળી આવતાં અને અસ્વચ્છતા બદલ એકમ સીલ કરાયો હતો. વસ્ત્રાપુર ગાંઠિયા અને નારણપુરાની માં ભજીયા પકોડા ખાતે તળવાના તેલનો TPC ટેસ્ટ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

એક મહિનામાં 11.28 લાખનો દંડ

આ સમયગાળા દરમિયાન કુલ 2,226 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી અને નિયમોનું પાલન નહીં કરનારા એકમોને 660 નોટિસ આપવામાં આવી હતી. અંદાજે 1,345 કિલોગ્રામ/લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, કુલ રૂ. 11.28 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. AMCના આંકડા મુજબ જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન કુલ 7,339 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 327 નમૂના ફેલ થયા હતા અને રૂ. 1.01 કરોડથી વધુનો દંડ વસૂલાયો હતો. કોર્પોરેશને આગામી દિવસોમાં પણ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કાર્યવાહી ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત