Vadodara: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને કારને મારી જોરદાર ટક્કર, અકસ્માતમાં 62 વર્ષીય વૃદ્ધાનું મોત

વડોદરા-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક આજે (બીજી ફેબ્રુઆરી) અકસ્માત સર્જાયો હતો. પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર બે મહિલાઓ રોડ પર ફંગોળાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં 62 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી અનુસાર, સુરતના સરથાણા જકાતનાકા પાનજીક વ્રજરાજ રેસિડેન્સીમાં રહેતા હરિદાસભાઈ ડોબરિયા તેમની 61 વર્ષીય પત્ની કાંતાબેન અને હરિદાસ ડોબરિયાના 62 વર્ષીય બહેન પાર્વતીબેન કયાડા સાથે કારમાં સુરતથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા. તેઓ રાજકોટ ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે પર પાછળથી આવતા એક અજાણ્યા વાહને તેમની કારને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર ભીષણ હતી કે, કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડની સાઈડમાં લગાવેલા લોખંડના એંગલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અથડામણને કારણે કારની ડાબી બાજુનો પાછળનો દરવાજો અચાનક ખુલી ગયો હતો. પાછળની સીટ પર બેઠેલા કાંતાબેન અને પાર્વતીબેન બંને ચાલુ કારે રોડ પર ફંગોળાયા હતા.
રોડ પર પટકાવાને કારણે પાર્વતીબેન કયાડાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કાંતાબેન ડોબરીયાને શરીરે ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક અંધારામાં ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

