Vadodara / નિવૃત્ત પી.આઈ.ની ભલામણ પર ભરોસો કરવો ભારે પડ્યો: ગેરેજના કારીગર સાથે ₹1 લાખની છેતરપિંડી

વડોદરા સિટિ પોલીસના પૂર્વ પી.આઇ.ની ભલામણ પર ભરોસો મૂકીને ગેરેજના કારીગરે પી.આઇ.ના પરિચિત વ્યક્તિને આપેલા 1 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
યાકુતપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને અજબડી મિલ પાસે કાદરી મોટર્સ નામનું ગેરેજ ચલાવતા અલ્તાફહુસેન મુજફ્ફરભાઇ કાદરીએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 14 જાન્યુઆરી 2026ના રોજ મારા મિત્ર અને સિટિ પોલીસ સ્ટેશનના નિવૃત્ત પી.આઈ. સોસા સાહેબની ગાડી ધનિયાવી ચોકડી પાસે બગડી જતાં, હું મારા કારીગર ઝાકીર સાથે ત્યાં મદદ માટે ગયો હતો. નિવૃત્ત પી.આઇ.એ મારી મુલાકાત દાના ભાઈ કાનાભાઈ રાઠોડ (રહે. સુરત, મૂળ દુદાણા ગામ,જિ.ભાવનગર) સાથે કરાવી હતી. દાનાભાઈએ પોતે બાંધકામના કોન્ટ્રાક્ટર હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ 20 જાન્યુઆરીના રોજ સોસા સાહેબે ફોન કરીને મને જણાવ્યું કે, દાનુભાઈ વડોદરા આવ્યા છે અને તેમને તાકીદે 1 લાખની જરૂર છે. સાહેબના કહેવાથી મેં મદદ કરવાની હા પાડી. દાનાભાઈને મેં 65 હજાર રોકડા તથા 35 હજાર ગૂગલ પે થી ચૂકવી આપ્યા હતા.તેમણે દસ-બાર દિવસમાં પૈસા પરત આપવાનું વચન આપ્યું હતું.
મુદત પૂરી થયા બાદ જ્યારે મેં મારા નાણાં માગ્યા, ત્યારે તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને વારંવાર વાયદા બતાવી ગલ્લાતલ્લા કરવા લાગ્યા. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમણે મારા અન્ય એક ગેરેજમાલિક મિત્ર કૌશલભાઈ પટેલ પાસેથી પણ 9,000 મેળવી છેતરપિંડી કરી છે.

