Vadodara / બેંકના બોજાવાળો ફ્લેટ વેચવાના કૌભાંડમાં બિલ્ડર પાનસુરિયા બંધુઓના જામીન નામંજૂર

ફ્લેટ 13 કરોડની લોન માટે મોર્ગેજ હોવા છતા ફરિયાદીને રૂ.35.97 લાખમાં વેચી બાપોદ પોલીસ સ્ટેશને નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડાવાયેલા બિલ્ડર પાનસુરિયા બંધુઓ અરજદાર/આરોપી સુરેશ ભાદા પાનસુરિયા અને મનિષ ભાદા પાનસુરિયા (બંને રહે. પ્રેમદર્શન ટાવર,સમા સાવલી રોડ)ની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.
ગઈકાલે અત્રેની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા બચાવપક્ષની દલીલો હતી કે આરોપીઓની માત્ર શંકાના આધારે ધરપકડ કરાઈ છે. ફરિયાદીને કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે. અરજદારો વેપારી છે,રીઢા ગુનેગાર નથી. અરજદારો તપાસમાં સહકાર આપી રહ્યા છે.
સરકારી પક્ષની દલીલો હતી કે અરજદારો સગા ભાઈઓ છે. ફરિયાદીને વેચાણ આપેલ ફ્લેટ વર્ષ 2021થી લોન પર તારણમાં હતો અને વર્ષ 2023માં ફરિયાદીને વેચાણ કરી તેની લોન નહીં ચૂકવી ગુનો કર્યો છે. સુરેશ વિરૂધ્ધ પાંચ અને મનિષ વિરૂધ્ધ બે ગુના નોંધાયા છે. અરજદારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓએ કુલ-127 લોકો સાથે છેતરપિંડી કરી હોવાની હકીકત રેકોર્ડ પર આવી છે.
કોર્ટે નોંધ્યું કે ફ્લેટ નંબર લખવામાં ભૂલ થયેલ છે તે બાબત માની શકાય તેમ નથી કારણકે દરેક મોર્ગેજ મિલકતના દસ્તાવેજો ગીરો રાખનાર લેતા હોય છે. ગીરો વ્યવહારમાં ટાઈપોગ્રાફીકલ ભૂલ થયેલ હોવાનું હાલના તબક્કે માની શકાય તેમ નથી. ગુનાની તપાસ ચાલી રહી છે. અન્ય આરોપીઓને અટક કરવાના બાકી છે. આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવે તો તપાસને અસર થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદ મુજબ,એસ.પી ઈન્ફ્રાના ભાગીદાર તરીકે આરોપીઓએ ન્યુ વીઆઈપી રોડ પર શ્રી સિધ્ધેશ્વર પ્લાઝા સાઈટનું નિર્માણ કરી ફ્લેટ નંબર ઈ-503 આજીવન મેઈન્ટેનન્સ તથા લાઈટ બિલ તથા વેચાણ દસ્તાવેજના ખર્ચ સાથે કુલ રૂ.35.37 લાખમાં ફરિયાદીએ ખરીદવાનું નક્કી કરી રકમ આરોપીઓને ચૂકવી આપી હતી. મનિષે આ ફ્લેટનો દસ્તાવેજ ફરિયાદીને કરી આપ્યો હતો. આરોપીઓએ સિધ્ધેશ્વર પ્લાઝા સાઈટ પર રૂ.13 કરોડની પ્રોજેક્ટ લોન લઈ ફરિયાદીના ફ્લેટને ગેરન્ટર તરીકે રાખી રૂ.6 કરોડની લોન ભરપાઈ નહીં કરી છેતરપિંડી આચરી છે.

