Vadodara / ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો: તમામ પાંચેય આરોપીઓ દોષિત જાહેર, 25 ઓગસ્ટે સંભળાવાશે સજા

રાજ્યભરમાં ભારે ખળભળાટ મચાવનારા વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોક્સો કોર્ટે આજે (20મી ઓગસ્ટ) કેસમાં સંડોવાયેલા તમામ પાંચેય આરોપીઓને દોષી ઠેરવ્યા છે. તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. આરોપીઓને સજાનો આદેશ 25મી ઓગસ્ટના રોજ કરવાનું ન્યાયાધીશે ઠેરવ્યું હતું.
નવરાત્રી દરમિયાન સગીરા પર આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ
ચોંકાવનારી આ ઘટના ચોથી ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા નોરતે રાત્રિના સમયે બની હતી. 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ભાયલી-બીલ ટીપી રોડ પર આવેલી એક અવાવરું જગ્યાએ બેઠી હતી. આ દરમિયાન બે બાઇક પર આવેલા પાંચ શખસોએ સગીરાના મિત્રને બંધક બનાવી મારપીટ કરી હતી અને ત્રણ નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ઘટનાની ગંભીરતાને જોઈ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટી (SIT) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપીઓ મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, શાહરૂખ બનજારા તેમજ મદદગારી કરનાર સૈફઅલી બનજારા અને અજમલ બનજારાને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓ યુપીના વતની છે અને વડોદરામાં મજૂરી કામ કરતા હતા.
માત્ર 17 દિવસમાં 6000 પેજની ચાર્જશીટ અને 100 સાક્ષીઓ
ક્રાઇમ બ્રાન્ચે રિટાર્ડ સ્પીડે તપાસ પૂર્ણ કરી ઘટનાના માત્ર 17 જ દિવસમાં (22મી ઓક્ટોબર 2024) પોક્સો અને સામૂહિક દુષ્કર્મની કલમો હેઠળ 6 હજાર પેજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસમાં 100થી વધુ સાક્ષીઓ તપાસાયા હતા. આ ઉપરાંત ડીએનએ રિપોર્ટ, એફએસએલ સાયન્ટિફિક પુરાવા, મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ સહિતના મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા.
25મી ઓગસ્ટે સંભળાવાશે સજા
રાજ્ય સરકારે આ કેસ માટે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈ, સ્પેશિયલ સરકારી વકીલ શૈલેષ પટેલ અને સુરતના ડીજીપીની ખાસ નિમણૂંક કરી હતી. સંપૂર્ણ સુનાવણી પૂર્ણ થયા બાદ અદાલતે તમામ 5 આરોપીઓને દોષી જાહેર કર્યા છે અને હવે 25મી ઓગસ્ટે તમામ નરાધમોને સજા ફટકારવામાં આવશે.

