VIDEO: Vadodara / પાદરામાં ઓર્ગેનિક કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ, 4 કામદારો દાઝ્યા
વડોદરાના પાદરા તાલુકાના લુણા ગામે આવેલી આશીષ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારો ઈજાગ્રસ્ત થતાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ કંપનીના એસ.એસ. રિએક્ટરમાં કેમિકલ પ્રક્રિયા ચાલી રહી હતી. દરમિયાન રિએક્ટરમાં અચાનક મોટો ધડાકો થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. બ્લાસ્ટના કારણે રિએક્ટરની આજુબાજુની દિવાલો તથા ઓફિસના કાચને પણ નુકસાન થયું હતું.
આ ઘટનામાં કંપનીમાં કામ કરતા સંદીપ રંગીલાલ યાદવ, સુરેન્દ્ર શ્રીરામ વિલાસ યાદવ, નરેન્દ્રકુમાર ઉર્ફે બબલુ શ્રીરામલાલ યાદવ અને પ્રકાશભાઈ જશાભાઈ માળી ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટ સમયે ત્રણ કામદારો રિએક્ટર પાસે હોવાથી તેમને શરીરે દાઝવા તેમજ અન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે નરેન્દ્રકુમાર ઉર્ફે બબલુ કંપનીના ગેટ પાસે દોડતા જતા સમયે નીચે પડી જતાં તેને પણ ઈજા પહોંચી હતી.
બનાવ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટને કારણે કંપનીમાં રહેલા રો મટીરીયલ તેમજ તૈયાર મટીરીયલને પણ નુકસાન થયું હતું. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

