VIDEO: Vadodara એરપોર્ટ પર ટેક્સી ચાલકોનો હલ્લાબોલ; પાર્કિંગની અછત અને વ્હાઇટ નંબર પ્લેટ વાહનો સામે આક્રોશ
વડોદરાના હરણી એરપોર્ટ ખાતે ટેક્સી ચાલકોએ વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે મોટી સંખ્યામાં ટેક્સી ચાલકો એકત્ર થયા હતા અને પાર્કિંગની અપૂરતી વ્યવસ્થા, કાયદાની વિસંગતતા તથા આર્થિક મુશ્કેલીઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ટેક્સી ચાલકોનું કહેવું છે કે, એરપોર્ટ પરિસરમાં તમામ ટેક્સીઓ પાર્ક થઈ શકે તેટલી પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં માત્ર 14 ટેક્સી માટે જ પાર્કિંગની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે બાકીની ટેક્સીઓ એરપોર્ટની બહાર ઉભી રાખવાની ફરજ પડે છે. જોકે બહાર વાહન ઊભું રાખતાં ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે.
ચાલકોના જણાવ્યા મુજબ દેશના અન્ય મોટા એરપોર્ટ પર હજારો ટેક્સીઓ પાર્ક થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે વડોદરા એરપોર્ટ પર મર્યાદિત પાર્કિંગને કારણે ટેક્સી ચાલકોને રોજિંદા ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વિરોધ દરમિયાન ટેક્સી ચાલકોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ખાનગી કંપનીઓ દ્વારા વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા ખાનગી વાહનોમાં સસ્તા ભાડે મુસાફરોની અવરજવર કરાવવામાં આવી રહી છે, જેના કારણે નિયમિત પરમિટ, કર અને અન્ય ચાર્જ ચૂકવીને ધંધો કરતા ટેક્સી ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
ટેક્સી ચાલકોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે મુસાફરી માટે લઘુત્તમ ભાડું નક્કી કરવામાં આવે, વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા ખાનગી વાહનો દ્વારા વ્યાવસાયિક મુસાફરી પર રોક લગાવવામાં આવે તેમજ એરપોર્ટ ખાતે ટેક્સી પાર્કિંગની સંખ્યા વધારી ટેક્સી ચાલકોને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.

