VIDEO: Vadodara / ભાજપની આંતરિક જૂથબંધી ચરમસીમાએ; કરજણ APMCની ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી
વડોદરા જિલ્લામાં કરજણ એપીએમસીના ચેરમેનની લાંબા સમયથી મુલતવી રહેલી ચૂંટણી આજે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેની જૂથ બંધીને કારણે મુલતવી રહેતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
કરજણ એપીએમસીની ચૂંટણીમાં અઢી વર્ષની ટર્મમાં જયદીપસિંહ ચૌહાણ ચેરમેન હતા. આ વખતે તેઓ પૂર્વ ધારાસભ્ય થતી નિશાળિયા જૂથની સાથે હતા. પરંતુ ત્યારબાદ તેમણે વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ નો હાથ ચાલ્યો હતો અને ધારાસભ્ય ના પ્રયાસોથી તેઓને જિલ્લા ભાજપમાં મહામંત્રી બનાવવામાં આવ્યા હતા.
દરમિયાનમાં કરજણ એપીએમસીની અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં જૂથ બંધીને કારણે બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી લાંબા સમયથી યોજાતી ન હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ધારાસભ્ય દ્વારા જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણને ફરીથી એપીએમસીના ચેરમેન તરીકે રીપીટ કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હોવાથી તેમને બીજો હોદ્દો ન મળે તે માટે પૂર્વ ધારાસભ્ય ના જૂથ ના બહુમતી સભ્યોએ વિરોધ કર્યો હતો અને બળવાની પણ તૈયારી કરી હતી.
આખરે ચેરમેનની ચૂંટણી આજે તા 20મી એ જાહેર કરવામાં આવી હતી. પરંતુ મેન્ડેટ આવે તે પહેલા બહુમતી સભ્યો એક થઈ જતા બળવો થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આવા માહોલ વચ્ચે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા છેલ્લી ઘડીએ અનિવાર્ય સંજોગો જણાવીને ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.

