Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Administrative ASI caught taking bribe on behalf of female PSI in Vadodara

Vadodaraમાં મહિલા PSI વતી લાંચ લેતો વહીવટદાર ASI પકડાયો, જામીનની પ્રક્રિયા ઝડપથી પતાવવા માંગ્યા હતા પૈસા

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vadodaraમાં મહિલા PSI વતી લાંચ લેતો વહીવટદાર ASI પકડાયો, જામીનની પ્રક્રિયા ઝડપથી પતાવવા માંગ્યા હતા પૈસા
સોર્સ : AI

વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના એક કેસમાં આરોપીને હેરાન ન કરવા તેમજ જામીનની પ્રક્રિયા ઝડપથી પતાવવા માટે મહિલા પીએસઆઇએ રૂ. 25,000 ની લાંચ માંગી હતી. જોકે, રકઝકના અંતે રૂ. 10,000 નક્કી થયા હતા. આ લાંચની રકમ સ્વીકારતા પોલીસ સ્ટેશનના વહીવટદાર એએસઆઇને ACBએ ઝડપી પાડયો છે, જ્યારે મહિલા પીએસઆઇની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

App Store

લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ, માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત 1 જૂનના રોજ અસામાજિક પ્રવૃત્તિ અને મારામારી અંગેનો એક ગુનો નોધાયો હતો. આ ગુનાની તપાસ મહિલા પીએસઆઇ મલ્લિકા ખીમજીભાઇ પરમાર (રહે. કેવલકૃપા સોસાયટી, અંબે સ્કૂલ પાછળ, માંજલપુર) કરી રહ્યા હતાં. તપાસ દરમિયાન મારામારીના કેસમાં આરોપીને હેરાન ન કરવા તેમજ તે પોલીસ સ્ટેશનમાં હાજર થાય ત્યારે જામીનની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટે પીએસઆઇ એમ.કે. પરમારે રૂ. 25,000ની લાંચ માંગી હતી.

આ રકમ વધારે હોવાથી રકઝકના અંતે રૂ. 10,000 આપવાનું નક્કી થયું હતું. પીએસઆઇએ આ રકમ માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર કમ એએસઆઇ જયકિશન સામોજી ગામેતી (રહે. જમુના ટાવર, તરસાલી; મૂળ બાલેતા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)ને આપી દેવા જણાવ્યું હતું અને લાંચની રકમ આપવા માટે માંજલપુર પોલીસ સ્ટેશન આવીને ફોન કરવા કહ્યું હતું.

આરોપી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. તે મુજબ, ગઇકાલે શનિવારે બપોરે લાંચની રકમ આપવા માટે આરોપી પોલીસ સ્ટેશન ગયો હતો અને જયકિશનને મળ્યો હતો. જયકિશને તેને પોલીસ સ્ટેશનની સામે રોડ પર પાર્ક કરેલી પોતાની ગાડીમાં બેસાડયો હતો અને લાંચની રકમ ડેશ બોર્ડ પર મૂકી દેવા જણાવ્યું હતું. આરોપી રકમ મૂકીને બહાર નીકળ્યો અને ઇશારો કર્યો, કે તરત જ એસીબીના સ્ટાફે કારમાંથી જયકિશનને ઝડપી પાડી લાંચની રકમ કબજે કરી હતી.

આ કેસમાં મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ હજુ ફરાર છે અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મહિલા પીએસઆઇ તેમજ એએસઆઇ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.