₹510નો તોતિંગ ટોલ છતાં રોડ પર ગાબડાં! અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર અકસ્માતનો મોટો ભય

અમદાવાદ-વડોદરા વચ્ચેના ભારતના સૌપ્રથમ નેશનલ એક્સપ્રેસવે નંબર 1 પર આવેલી શેઢી, ખારી, મેશ્વો અને વાત્રક નદીના પુલ પર મોટા ગાબડાં પડી જતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તોતિંગ રકમના ટોલટેક્સની વસૂલાત થતી હોવા છતાં હાઇવેની જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તોતિંગ ટોલટેક્સ છતાં બિસ્માર હાલત
આ એક્સપ્રેસ વે પરથી પસાર થવા માટે કાર ચાલકો પાસેથી રૂ. 165 જ્યારે ભારે વાહનો પાસેથી રૂ. 510 સુધીનો ટોલટેક્સ વનવે મુસાફરી માટે વસૂલવામાં આવે છે. આટલી મોટી રકમનો ટેક્સ ઉઘરાવવામાં આવતો હોવા છતાં રોડની જાળવણી યોગ્ય રીતે થતી નથી, જેના કારણે વાહનોને પણ નુકસાન થાય છે. ચારેય નદીના પુલ પરનો રોડ અતિશય બિસ્માર બની ગયો છે.
રાત્રે લાઈટો ન હોવાથી અકસ્માતનું જોખમ
વાહન ચાલકોની ફરિયાદો મુજબ, ખાસ કરીને રાત્રિના સમયે આ રોડ પર લાઈટો હોતી નથી. પરિણામે પૂરઝડપે આવતા વાહનો ચારેય નદીના પુલ પર પહોંચતા જ મોટા મોટા ગાબડાંમાં પછડાય છે, જેના કારણે મુસાફરોને તો ઇજાઓ થાય જ છે સાથે સાથે નાની ગાડી હોય તો ગાડીમાં પણ ગંભીર નુકસાન થાય છે. કેટલાક કિસ્સામાં ટાયર ફાટવાની ઘટના પણ બની શકે છે. જના કારણે ગંભીર અકસ્માત સર્જાવાનું પણ જોખમ છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સત્વરે આ રોડનું ઝિરો લેવલ સમારકામ હાથ ધરવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે.

