Vadodara news: વડોદરામાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો, યુનિફોર્મ- આઈ કાર્ડ, કેપ, બેલ્ટ મળ્યા
રાજ્યના વડોદરામાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો હતો. મળતા અહેવા

રાજ્યના વડોદરામાંથી નકલી પોલીસ અધિકારી ઝડપાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે વડોદરા પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા અને PSIના નામે તોડબાજી કરતાં એક ડુપ્લીકેટ PSI ઝડપી પાડતાં તેની પાસે પોલીસને લગતા બોગસ દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ સહિતની ચીજો મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
તાંદલજામા P.S.I. M I SODAGAR તોડપાણી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી
વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તાંદલજા વિસ્તારમાં ઝમઝમ ટાવર પાસે અલ કબીર બંગ્લોઝમાં રહેતો એક ગઠીયો ડુપ્લીકેટ પોલીસ તરીકે રોફ ઝાડતો હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે ગઈકાલે તેના બંગલા પર દરોડો પાડયો હતો. પોલીસે દરવાજો ખખડાવી મોબિન..ના નામે બૂમો પાડતાં તેની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. પોલીસે અંદર પહોંચી જઈ સોફા પર બેઠેલા મોબિન સોદાગરને ઘેરી લીધો હતો.
પત્ની અને સોદાગર ટ્રસ્ટના નામની બે કારમાંથી યુનિફોર્મ, આઈ કાર્ડ, કેપ, બેલ્ટ મળ્યા
પોલીસે મોબિનને બંગલાની બહાર પાર્ક કરેલી બે કાર વિશે પૂછપરછ કરતાં ક્રેટા કાર તેની પત્ની શાહીનબાનુના નામે હોવાની તેમજ અર્ટીકા કાર સોદાગર ચેરીટેબલ ટ્રસ્ટના નામની હોવાની અને આ બંને કારનો પોતે ઉપયોગ કરતો હોવાને કબુલાત કરી હતી. જેથી પોલીસે બંને કારમાં સર્ચ કરતા અંદરથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, ખાખી કલરનું પેન્ટ, પીએસઆઇ એમ.આઇ.સોદાગર લખેલી નેમ પ્લેટ, ગુજરાત પોલીસ લખેલો પટ્ટો, ગાંધીનગરના ડીએસપી એમ.જે.ચાવડાની સહી વાળું એસ.આઈ.ટીનું આઈ કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, પોલીસ લખેલી નેમ્પલેટ, પોલીસની કેપ સહિતની ચીજો મળી આવી હતી.
ડ્રાઇવરો પાસે ઉઘરાણું અને જમીનના સોદામાં સમાધાન કરાવતો
પોલીસની પ્રાથમિક તપાસમાં મોબિન ઈકબાલ ભાઈ સોદાગરે કબૂલી લીધું હતું કે તે પોતે રાજ્યનું સેવક નથી અને પીએસઆઇ બનીને હાલોલ તેમજ આસપાસના ગામોમાં ફરી રહ્યો છે. ડ્રાઇવરોને દમદાટી આપી ઉઘરાણું કરતો હતો અને જમીનના સોદામાં સમાધાન પણ કરાવતો હતો. જેથી પોલીસે તેના ત્રણ મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આવકનો બોગસ દાખલો અને જુદા-જુદા 22 રબર સ્ટેમ્પ હાથ લાગ્યા
પોલીસે વધુ તપાસ કરતા મોબીનના નામનો પશ્ચિમ મામલતદારની સહી વાળો આવકનો બોગસ દાખલો પણ મળી આવ્યો હતો. જેમાં વાર્ષિક રૂ.90,000 ની આવક દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત એટીએસ ગુજરાત, આસિ.ચેરિટી કમિશનર, ગાંધીનગર ડીએસપી, ડીએસપી એસઆઇટી ગુજરાત, પંચમહાલ સુપ્રિટેન્ડેન્ટ, વકફ કમિટી વડુ સહિતના સિક્કા અને દસ્તાવેજ પણ મળી આવ્યા હતા.







