VIDEO: Vadodara-Kutchની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ; સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવાયા
કચ્છના વડામથક ભુજમાં આવેલી સેશન્સ કોર્ટમાં આજે બોમ્બની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ કાફલામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધોળા દિવસે મળેલી આ ધમકીને પગલે કોર્ટ સંકુલમાં હાજર વકીલો, અસીલો અને ન્યાયિક કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ધમકી મળતાની સાથે જ સ્થાનિક પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને સુરક્ષાના કારણોસર ન્યાયાધીશો સહિત સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવ્યું હતું. ચાલુ કામગીરી દરમિયાન જ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલની બહાર વકીલો અને મોટી સંખ્યામાં અસીલોની ભીડ એકત્ર થઈ ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને SOG (Special Operations Group) અને LCB (Local Crime Branch) સહિતની પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
વડોદરામાં દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત મળેલી આ ધમકીને પગલે પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સાવચેતીના પગલા રૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને વકીલો તેમજ અસીલોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. હાલ પૂરતું કોર્ટનું તમામ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે તે પૂર્વે વડોદરા દિવાળીપુરા સ્થિત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમ જ તમામ કોર્ટ ખાલી કરાવી દેવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને જોતા સાયબર સેલ ફરી એકવાર સક્રિય થયું છે જેથી આ મેલ કે મેસેજ ક્યાંથી આવ્યો છે તેનું મૂળ શોધી શકાય. વારંવાર મળતી આ પ્રકારની ધમકીઓ પાછળ કોઈ તોફાની તત્વોની છેડછાડ છે કે કોઈ ઊંડી વ્યૂહનીતિ, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

