વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપા પાસે ગેરકાયદે દબાણો દૂર કરાયા, બે ટ્રક જેટલો સામાન અને કાર જપ્ત

વડોદરાના કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપા પાસે ગેરકાયદે દબાણો દૂર કરાયા, બે ટ્રક જેટલો સામાન અને કાર જપ્ત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા કાસમઆલા કબ્રસ્તાન અને ભૂતડી ઝાંપા આસપાસ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ગંદકી ફેલાવવા બદલ રૂ.25 હજારનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

ગેરકાયદે દબાણો દૂર કરાયા

વડોદરા મનપાના વોર્ડ નંબર-7ના વોર્ડ ઓફિસર રિતેશ સોલંકીની આગેવાનીમાં વોર્ડના અન્ય કર્મચારીઓ, કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફને સાથે રાખીને આ ઝુંબેશ હાથ ધરાઈ હતી. કાસમઆલા કબ્રસ્તાનના મુખ્ય રોડ પર ભંગારના વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો સહિત અન્ય ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

રૂ.25 હજારનો દંડ વસૂલાયો

જાહેરાત

મનપાની ટીમે કાર્યવાહી દરમિયાન દબાણોમાંથી બે ટ્રક જેટલો સામાન અને એક ફોરવ્હીલર કાર જપ્ત કરી હતી. આ ઉપરાંત જાહેર વિસ્તારમાં ગંદકી ફેલાવવા બદલ રૂ.25 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. બીજી તરફ, રસ્તા પર બિનઅધિકૃત પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ઓનલાઈન મેમો ઇશ્યૂ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

મનપાની આ સંયુક્ત કાર્યવાહીને પગલે વિસ્તારમાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. શહેરમાં જાહેર રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત