'શિવજી કી સવારી'ના ખર્ચ મુદ્દે VMCની બજેટ બેઠકમાં હોબાળો, ધારાસભ્ય યોગેશ પટેલે કટાક્ષ કરી ઊભરો ઠાલવ્યો
વડોદરા કોર્પોરેશનની આજે મળેલી બજેટ બેઠકના પ્રારંભમાં ભાજપન

વડોદરા કોર્પોરેશનની આજે મળેલી બજેટ બેઠકના પ્રારંભમાં ભાજપના પૂર્વ નેતાએ શિવજી કી સવારીના ખર્ચને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય બાબત નથી તેમ કહી ઉગ્ર રજૂઆત કરતા અન્ય સભ્યોએ તેમને ચેરમેનની બજેટની સ્પીચ આપે તે પછી બોલવા જણાવતા સામ-સામે આક્ષેપબાજી થઈ હતી.
BJP પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાએ મુદ્દો ઉઠાવતા મામલો ગરમાયો
વડોદરા કોર્પોરેશનની આજથી બજેટની બેઠક ત્રણ દિવસ માટે શરૂ થઈ હતી. બેઠકના પ્રારંભમાં જ વંદેમાતરમ બાદ તુરત જ ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબચિયાએ ઉભા થઈ કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના ખર્ચનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે તે અયોગ્ય બાબત છે તેમ કહી વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વર્ષ 2013 થી સવારી નીકળે છે ત્યારે દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે કોઈ મદદ કરવામાં આવતી હોય તે કરવામાં આવે છે તો ગત વર્ષે નીકળેલી શિવજી કી સવારી પાછળ થયેલા ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી. આ રકમ તાત્કાલિક મંજૂર કરવી જોઈએ સરકાર જ્યારે ગ્રાન્ટ આપશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલમાં કોર્પોરેશનને આ ખર્ચ ચૂકવી દેવો જોઈએ.
શિવજી કી સવારીના ખર્ચમાં VMC દ્વારા વિલંબ થતાં ધારાસભ્ય યોગેશ પટેલનું કટાક્ષ
શિવજી કી સવારીના ખર્ચને લઈને કરેલી મહાનગરપાલિકામાંઆ મૂકેલી આ દરખાસ્ત બાદ ધારાસભ્ય યોગેશ પટેલે પણ કટાક્ષ કર્યા હતા. આપણે જણાવી દઈએ કે શિવજી કી સવારીના આયોજક છે ધારાસભ્ય યોગેશ પટેલ. આગામી 26 ફેબ્રુઆરીના યોજનારી શિવજી કી સવારીને લઈને તેમણે ઊભરો ઠાલવ્યો હતો. કહ્યું, "ખોરી દાનતવાળા રૂપિયા આપવા નથી દેતા, પાછલી યાત્રાનાં એક કરોડ પાલિકાને આપવાના બાકી છે જેને લઈને વિવાદ છેડાયો હતો."
વધુમાં ઊભરો ઠાલવતા કહ્યું કે "આ રૂપિયા જે સ્ટેજ, સિસ્ટમ, લાઇટ અને ફરસખાના સહિતની કામગીરી કરનારા વેન્ડરોએ કામ કર્યા હતા જેના રૂપિયા હજુ ચુકવવાના બાકી છે. મુખ્યમંત્રીને મેં કહ્યું હતું કે વડોદરામાં રાજકારણ બહું જ છે, તમે કોર્પોરેશન ને જવાબદારી આપો. સંકલનમાં જણાવ્યા બાદ પણ દરખાસ્ત પરત મોકલવામાં આવી છે. આ મારું નહીં શિવ પરિવાર નું કામ છે." આ સામે અન્ય કોર્પોરેટરોએ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.
ધારાસભ્ય કેયૂર રોકડિયાએ ધાર્મિક કાર્યક્રમોનો મુદ્દો ઉઠાવ્યો
ત્યારબાદ ધારાસભ્ય કેયુર રોકડિયાએ ધાર્મિક કાર્યક્રમો અંગેની ચર્ચા કરતા અન્ય સભ્યોએ ખરી શિવજીની સવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેની સામે પૂર્વ વિરોધ પક્ષના નેતા અમીરાવતે જણાવ્યું કે માત્ર શિવજીની સવારી જ નહીં પરંતુ વડોદરાનું નામ ગરબામાં પણ વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. ત્યારે ગરબાના આયોજકોને પણ મદદ કરવી જોઈએ તેમ કહેતા અન્ય ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો.








